Get The App

ઑસ્ટ્રેલિયા માટે સરળ નહીં રહે WTCની ફાઇનલ મેચ, સાઉથ આફ્રિકાના આ ત્રણ ખેલાડીઓ આપશે જોરદાર ટક્કર

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
ઑસ્ટ્રેલિયા માટે સરળ નહીં રહે WTCની ફાઇનલ મેચ, સાઉથ આફ્રિકાના આ ત્રણ ખેલાડીઓ આપશે જોરદાર ટક્કર 1 - image


South Africa vs Australia WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ જૂન મહિનામાં રમાશે. ગત સિઝનની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સતત બીજી વખત ફાઈનલ રમશે પરંતુ સાઉથ આફ્રિકા પ્રથમ વખત ટાઈટલ મેચ માટે દાવેદારી રજૂ કરશે. પરંતુ ઑસ્ટ્રેલિયા માટે સરળ નહીં રહે WTCની ફાઈનલ મેચ. કારણ કે સાઉથ આફ્રિકાના આ ત્રણ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાને જોરદાર ટક્કર આપશે.

કાગિસો રબાડા

કાગિસો રબાડા છેલ્લા ઘણા સમયથી દક્ષિણ આફ્રિકાનો લીડ બોલર છે. તેણે વર્ષ 2024માં 8 ટેસ્ટ મેચોમાં કુલ 34 વિકેટ ખેરવી હતી અને પાકિસ્તાન સામેની તાજેતરની સીરિઝમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર (10) બોલર પણ રહી ચૂક્યો છે. કારણ કે ફાઈનલ મેચ લોર્ડ્સમાં રમાશે, જ્યાં રબાડાનો તરખાટ જોવા મળે છે. રબાડાએ અત્યાર સુધી લોર્ડ્સના મેદાન પર માત્ર 2 મેચમાં 13 વિકેટ ઝડપી છે. તેથી તે ચોક્કસપણે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં સાઉથ આફ્રિકા માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. 

માર્કો જેન્સેન

બોલિંગના દૃષ્ટિકોણથી માર્કો જેન્સેન માટે વર્ષ 2024 શાનદાર રહ્યું છે. તેણે આખા વર્ષ દરમિયાન 4 મેચમાં 17.23ની શાનદાર એવરેજથી કુલ 22 વિકેટ ખેરવી હતી. લોર્ડ્સના મેદાન પર કાગિસો રબાડાની જેમ માર્કો જેન્સેન પણ અત્યાર સુધી પ્રભાવશાળી સાબિત થયો છે. જેન્સેનની લેન્થ, બોલમાં સ્વિંગ અને બાઉન્સ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો માટે મોટી સમસ્યા સાબિત થઈ શકે છે. જેન્સેનનું મહત્વ એટલા માટે વધુ હશે કારણ કે, જરૂર પડ્યે તે બેટિંગ પણ કરી શકે છે.

રયાન રિકેલ્ટન

રયાન રિકેલ્ટનના ટેસ્ટના આંકડા અત્યાર સુધી શાનદાર રહ્યા છે. તેણે 17 ઈનિંગ્સમાં 41ની આસપાસની એવરેજથી 616 રન બનાવ્યા છે. અત્યાર સુધીની તેની સૌથી શાનદાર ઈનિંગ પાકિસ્તાન સામેની કેપટાઉન ટેસ્ટમાં આવી હતી, જેમાં તેણે 259 રનની ઈનિંગ રમીને પોતાની કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. આ પહેલા તેણે શ્રીલંકા સામે પણ 101 રનની સદીની ઈનિંગ રમી હતી. જો રિકેલ્ટન આ શાનદાર ફોર્મ જાળવી શકે છે, તો તે ચોક્કસપણે દક્ષિણ આફ્રિકાને પ્રથમ વખત WTC ટાઈટલ જીતવામાં મદદ કરી શકે છે. 


Google NewsGoogle News