સૌરવ ગાંગુલીની ભવિષ્યવાણી, કહ્યું- 'સેમીફાઈનલમાં ભારતનો સામનો આ ટીમ સાથે થશે'
Image Source: Facebook
નવી દિલ્હી, તા. 08 નવેમ્બર 2023 બુધવાર
પાકિસ્તાને સતત 4 મેચ હાર્યા બાદ વાપસી કરી છે, તે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને છે અને હજુ પણ સેમિફાઈનલની રેસમાં છે. ચાહકો તો એ જ ઈચ્છી રહ્યા છે કે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જાય અને પાકિસ્તાન સેમિફાઈનલમાં સ્થાન બનાવી લે પરંતુ તેનો આ અંગે નિર્ણય થોડા દિવસ બાદ જ થશે કે કઈ ટીમ સેમિફાઈનલમાં સ્થાન બનાવશે. પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને આશા છે કે ભારત અને પાકિસ્તાનની ટીમ જ વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ટકરાવાની છે.
સૌરવ ગાંગુલીએ કહ્યુ કે મને આશા છે કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપના સેમિફાઈનલમાં સ્થાન બનાવી લેશે કેમ કે ભારત અને પાકિસ્તાનની મેચ વર્લ્ડ કપમાં સૌથી મોટી મેચ હશે. ગાંગુલીએ આ સિવાય વિરાટ કોહલીના વખાણ કરતા કહ્યુ, વિરાટ કોહલી મહાન ખેલાડીઓ પૈકીના એક છે. ઈડન ગાર્ડનમાં તેમના બેટથી 49મી સદી જોઈને ખૂબ સારુ લાગ્યુ. ખાસ કરીને જ્યારે તેઓ છેલ્લી ઘણી મેચોમાં આ રેકોર્ડની બરાબરી કરવાથી ચૂકી ગયા હતા.
પાકિસ્તાન કેવી રીતે પહોંચી શકે છે સેમિફાઈનલમાં?
નેટ રન રેટમાં ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનથી ખૂબ આગળ ચાલી રહી છે. દરમિયાન માત્ર જીત નોંધાવીને તેમની સેમિફાઈનલની ટિકિટ પાક્કી થવાની નથી. અત્યારે પાકિસ્તાનના નેટ રન રેટ 0.036 છે જ્યારે ન્યૂઝીલેન્ડ 0.398 નેટ રન રેટના કારણે તેનાથી ખૂબ આગળ છે. હવે પાકિસ્તાનના સેમિફાઈનલમાં જવાની આશા લગભગ ખતમ જ છે. કેમ કે જો ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે 1 રનથી પણ જીત નોંધાવી તો પાકિસ્તાનને 130 રનથી જીત મેળવવી પડશે. શ્રીલંકા સામે મેચમાં જો કીવી ટીમને હાર મળે છે તો પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામે જીત મેળવવી પડશે. જો બંને ટીમો જીતી જાય છે તો પછી નેટ રન રેટ અનુસાર સેમિફાઈનલનો નિર્ણય હશે.
અફઘાનિસ્તાન પણ રેસમાં
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ જો પોતાની મેચમાં હારી જાય છે અને અફઘાનિસ્તાન પોતાની આગામી મેચ સાઉથ આફ્રિકા સામે જીતી જાય છે તો તે અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી લેશે. જોકે કઈ ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. તેનો નિર્ણય 11 નવેમ્બરે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ મેચમાં જ થઈ જશે.