ગાંગુલીએ સેહવાગને આપી હતી કરિયર ખતમ કરવાની ધમકી, આકાશ ચોપડાનો ઘટસ્ફોટ
Aakash Chopra on Sourav Ganguly & virender sehwag: પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પોતાની વિસ્ફોટક બેટિંગથી વિરોધી બોલરોમાં ડર પેદા કરી દેતો હતો. પરંતુ તેની કારકિર્દીમાં એક વાર એવો સમય પણ આવ્યો હતો જ્યારે ગાંગુલીએ તેને ટીમમાંથી બહાર કરવાની ધમકી આપી હતી. વર્ષ 2003માં સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો ત્યારે તેણે વીરેન્દ્ર સેહવાગને કહ્યું હતું કે, જો તું રન નહીં બનાવે તો હું તને ટીમમાંથી બહાર કાઢી મૂકીશ. ભારતના ભૂતપૂર્વ ઓપનર આકાશ ચોપડાએ આ વાતનો ખુલાસો કર્યો છે.
શું કહ્યું આકાશ ચોપડાએ?
આકાશ ચોપડાએ જણાવ્યું હતું કે, 'આ ઘટના વર્ષ 2003માં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાનની છે. વીરેન્દ્ર સેહવાગે પોતાની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં ઘણાં રન બનાવ્યા હતા. પરંતુ તે પછી તેની કારકિર્દીનો ખરાબ સમય ચાલુ થયો હતો. સેહવાગના બેટમાંથી રન નહોતા આવી રહ્યા. એ સમયે ભારતીય ટીમનો કેપ્ટન સૌરવ ગાંગુલી વીરેન્દ્ર સેહવાગ પાસે ગયો અને તેને કહ્યું હતું કે, જો તું રન નહીં બનાવે તો હું તને ટીમમાંથી કાઢી મૂકીશ. પરંતુ રસપ્રદ વાત એ છે કે ન્યુઝીલેન્ડ સામેની આ સીરિઝની પહેલી ટેસ્ટમાં નિષ્ફળ થયા બાદ સહેવાગે મોહાલી ટેસ્ટ મેચમાં સદી ફટકારીને 130 રન બનાવ્યા હતા.' એ સમયે વીરેન્દ્ર સેહવાગ સતત 9 ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હતો અને તેના બેટમાંથી એક પણ અડધી સદી નીકળી ન હતી.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શિસ્ત ભૂલ્યાં! કોચ ગંભીર નારાજ, BCCI રિવ્યૂ મીટિંગની વાતો લીક
વીરેન્દ્ર સેહવાગની ક્રિકેટ કારકિર્દી
પોતાની કારકિર્દી દરમિયાન વીરેન્દ્ર સેહવાગે 104 ટેસ્ટમાં 89.34ની સરેરાશથી 8586 રન બનાવ્યા હતા જેમાં 23 સદી અને 32 અડધી સદીનો સમાવેશ થાય છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 319 રન રહ્યો હતો. 251 વનડેમાં તેણે 8273 રન બનાવ્યા હતા જેમાં 15 સદી અને 38 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ફોર્મેટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 219 રહ્યો હતો. આ ઉપરાંત સહેવાગે 19 T20I મેચોમાં 394 રન બનાવ્યા હતા. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 68 રન રહ્યો હતો.