સેહવાગને ડ્રેસિંગ રૂમમાં કોણે માર્યો હતો મુક્કો? ગાંગુલીએ શેર કર્યો કિસ્સો, કહ્યું- સચિન ચૂપચાપ જોતો રહ્યો
Sourav Ganguly On Virender Sehwag : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગની ગણતરી અત્યાર સુધીના સૌથી વિસ્ફોટક બેટરોમાં થાય છે. એકવાર જોખમ લેવાની તેની આદતથી ભારતીય ટીમના કોચ તેના પર એટલા ગુસ્સે થયા કે તેમણે તેને મુક્કો મારી દીધો હતો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે, સેહવાગની જોખમ લેવાની અને કોઈની વાત ન સાંભળવાની આદતને કારણે ટીમના ભૂતપૂર્વ કોચ જોન રાઈટ એક સમયે તેના પર ગુસ્સે થયા હતા.
કોચ જોન રાઈટે વીરેન્દ્ર સેહવાગને મુક્કો માર્યોસૌરવ ગાંગુલીએ કહ્યું કે, 'એકવાર અમારી શ્રીલંકા સામે એજબેસ્ટરમાં મેચ હતી. ટીમ સામે 210 રનનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. વીરેન્દ્ર સેહવાગે ઘણાં શાનદાર શોટ ફટકાર્યા હતા. અને અમે આ મેચ જીતી ગયા હતા. મેચ પૂરી થયા બાદ જ્યારે હું બધાને અભિનંદન આપવા ડ્રેસિંગ રૂમમાં ગયો તો ત્યાં સંપૂર્ણ મૌન હતું. હું અનિલ કુંબલે પાસે ગયો અને પૂછ્યું કે શું થયું. તેણે મને બહાર લાવીને કહ્યું, જોન રાઈટે વીરેન્દ્ર સેહવાગને મુક્કો માર્યો છે. ત્યારે મેં અનિલને પૂછ્યું કે, હકીકતમાં મુક્કો માર્યો કે પછી આ એક મજાક હતી.'
તું ફરીથી ભારત માટે નહીં રમી શકે
તેના જવાબમાં અનિલ કુંબલેએ કહ્યું, 'વીરેન્દ્ર સેહવાગ ડ્રેસિંગ રૂમમાં આવ્યો ત્યારે જોન રાઈટે તેનો કોલર પકડીને તેને ખૂણામાં ધક્કો મારીને પછી તેને જોરથી મુક્કો માર્યો. અને તેણે સહેવાગને કહ્યું, હવે તું ફરીથી ભારત માટે નહીં રમી શકે, કારણ કે તે મારેલા એક શોટને કારણે ભારત હારી શક્યું હોત. ત્યારબાદ હું જ્હોન રાઈટ પાસે ગયો અને તેને પૂછ્યું, શું તમે સેહવાગને મુક્કો માર્યો હતો. તેણે કહ્યું, હા મેં માર્યો હતો, મેં પૂછ્યું કે શું સેહવાગે તમને વળતો પ્રહાર કર્યો... જવાબ ના હતો.'
અમે બંને એક્બીજાને હાથ મિલાવ્યા
ટીમ બસમાં બધા ખેલાડીઓ આવી ગયા હતા, પરંતુ સેહવાગ સૌથી છેલ્લે ચઢ્યો હતો. મેં તેને બોલાવીને મારી પાસે બેસાડ્યો. અને તેને પૂછ્યું, શું જોન રાઈટે તને મુક્કો માર્યો હતો? સેહવાગે કહ્યું, 'અરે જવા દોને દાદા, આવું તો થતું રહે છે, હું બહુ ખરાબ શોટ રમ્યો હતો. તેને લઈને તે ગુસ્સામાં હતો. અને મને મુક્કો માર્યો હતો, જો કે પછી અમે બંને એક્બીજાને હાથ મિલાવ્યા હતા.'
આ પણ વાંચો : રીંકુ સિંહે હાથ પર ચિતરાવ્યું ટેટૂ: ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
હું ચાની મજા માણી રહ્યો હતો
આ પછી જ્યારે હું હોટેલમાં પાછો ફર્યો ત્યારે હું સચિન તેંડુલકરને મળ્યો હતો. અને મેં તેને પૂછ્યું કે, 'શું તે જ્હોન રાઈટે સેહવાગને મુક્કો મારવાની વાત સાંભળી?' તેણે જવાબ આપતા કહ્યું, 'અરે હા, જ્યારે જ્હોને સેહવાગને મુક્કો માર્યો, ત્યારે હું ખૂણામાં ઊભો હતો. અને મારી ચાની મજા માણી રહ્યો હતો.'