'લોકો ભૂલી ગયા કે મેં રોહિત શર્માને...', ટીમ ઈન્ડિયાના 'દાદા' એ આપ્યો ટીકાકારોને જડબાતોડ જવાબ
Image : IANS (File pic) |
Sourav Ganguly Gave a befitting reply to his critics: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ તેમના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. રોહિત શર્માને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા બદલ જે લોકોએ ગાંગુલીની ટીકા કરી હતી તેમને ટીમ ઈન્ડિયાના દાદા તરીકે લોકપ્રિય ગાંગુલીએ ઝાટક્યા હતા.
ગાંગુલીએ લીધો હતો નિર્ણય
ટી20 વર્લ્ડ કપ 2021 બાદ વિરાટ કોહલીએ ટી20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ત્યાર બાદ થયેલા વિવાદને કારણે કોહલીએ અન્ય બે ફોર્મેટની કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી. કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ BCCIએ રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો હતો.
BCCIના અધ્યક્ષ હતા ત્યારે લીધો હતો નિર્ણય
તે સમયે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ પદ પર હતા. વિરાટ કોહલી પાસેથી કેપ્ટનશીપ છીનવીને રોહિત શર્માને આ જવાબદારી સોંપવાના તેમના નિર્ણયની વ્યાપક ટીકા થઈ હતી. ગાંગુલીએ હવે ફરી એકવાર આ મુદ્દે ચર્ચા છંછેડતું નિવેદન આપ્યું અને તેમના ટીકાકારોને રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમની સફળતા પર ધ્યાન આપવા કહ્યું. ગાંગુલીએ કહ્યું કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે T20 વર્લ્ડ કપ 2024ની જીતની ઉજવણી કરી, પરંતુ બધા ભૂલી ગયા કે મેં જ રોહિતને ભારતીય ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.
આ પણ વાંચો : સાથી ક્રિકેટરની બહેન સાથે રિંકુ સિંહનો VIDEO વાયરલ
શું બોલ્યાં સૌરવ ગાંગુલી?
સૌરવ ગાંગુલીએ કહ્યું, "જ્યારે મેં ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્માને સોંપી હતી, ત્યારે બધાએ મારી ટીકા કરી હતી. હવે જ્યારે ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ જીત્યો છે, ત્યારે દરેક લોકોએ મને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. મને લાગે છે કે દરેક લોકો ભૂલી ગયા છે કે મેં જ તેને ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો."