કોલકાતા દુષ્કર્મ કેસના કારણે 'દાદા'ને આવ્યો ગુસ્સો! પત્ની સાથે ઉતરશે વિરોધનાં મેદાનમાં
Saurav Ganguly: દેશમાં ચકચાર મચાવનાર કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મની અને હત્યાથી દેશભરના લોકો ખૂબ જ દુઃખી છે. ઠેકઠેકાણે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. કેટલાક સેલિબ્રિટિઝ પણ સોશિયલ મીડિયા તેમજ પબ્લિકમાં આવીને આ ઘટનાનો વિરોધ કર્યો છે. હવે આમાં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીનું (Saurav Ganguly) નામ પણ ઉમેરાયું છે.
BCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી આ કેસમાં ન્યાયની માંગણી માટે બુધવારે (21 ઓગસ્ટ) કોલકાતાના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શનમાં જોડાશે. તેમની સાથે પત્ની ડોના ગાંગુલી (Dona Ganguly) પણ હાજર રહેશે. ગાંગુલીએ એક દિવસ પહેલા જ તેના તમામ સોશિયલ મીડિયા X અને Instagram એકાઉન્ટ પર ડીપી બ્લેક કરીને પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો છે.
પ્રિન્સ ઑફ કોલકાતા તરીકે ઓળખાતા ગાંગુલીએ થોડા દિવસો પહેલા આ મામલે નિવેદન આપ્યું હતું. ત્યાર પછી તે ઘણાં લોકોની નારાજગીનો ભોગ પણ બન્યો હતો અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ ટીકા થઈ હતી. ગાંગુલીએ કહ્યું હતું કે, 'મને નથી લાગતું કે દરેક વસ્તુનો નિર્ણય એક અલગ ઘટના પર થવો જોઈએ. આ (ઘટના) ના કારણે દરેક જણ અસુરક્ષિત છે એવું વિચારવાની કોઈ જરૂર નથી. દુનિયાભરમાં આવા અકસ્માતો થાય છે. છોકરીઓ સુરક્ષિત નથી એવું વિચારવું ખોટું છે. માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં, ભારતમાં દરેક જગ્યાએ મહિલાઓ સુરક્ષિત છે. આપણે જ્યાં રહીએ છીએ તે શ્રેષ્ઠ સ્થળ છે. કોઈએ એક ઘટના દ્વારા નિર્ણય ન લેવો જોઈએ,” ગાંગુલીએ બિસ્વા-બાંગ્લા કન્વેન્શન સેન્ટર ખાતે એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું. આ મામલે બાદમાં ગાંગુલીએ સ્પષ્ટતા આપવી પડી હતી. ગાંગુલીએ કહ્યું કે તેનું નિવેદન યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યું નથી.
જ્યારે ગાંગુલીએ સોશિયલ મીડિયા પર પોતાની ડીપી બ્લેક કરી તો લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. લોકોનું કહેવું હતું કે માત્ર ડીપીને બ્લેક કરવાથી કામ નહીં ચાલે. લોકોએ ખુલ્લેઆમ સામે આવીને વિરોધ કરવો પડશે તેવું જણાવ્યું હતું. હવે ગાંગુલીએ આ જ પ્રકારનું પગલું ભર્યું છે અને પોતાની પત્ની સાથે જાહેરમાં આવીને આ ઘટનાનો વિરોધ નોંધવવાનો રસ્તો પસંદ કર્યો છે.