સ્મૃતિ મંધાનાની તોફાની બેટિંગ: સતત 7 બોલમાં બાઉન્ડ્રી, એકસાથે છ રેકૉર્ડ બનાવ્યા
Smriti Mandhana : ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે રમેલી ત્રણ મેચની T20 સીરિઝને 2-1થી જીતી લીધી છે. ગુરુવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઈન્ડિઝને 60 રને હરાવીને સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. આ પહેલા ભારતીય ટીમે પહેલી મેચ 49 રને જીતી હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે બીજી મેચમાં નવ વિકેટથી જીત મેળવીહતી. હવે બંને ટીમો ફરી એકવાર વનડે સીરિઝમાં આમને-સામને થશે. જે 22મી ડિસેમ્બરથી શરૂ થશે.
સ્મૃતિ મંધાનાનું શાનદાર પ્રદર્શન
ભારતની કાર્યકારી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે વિસ્ફોટક ઇનિંગ રમીને ઘણાં રેકોર્ડ બનાવ્યા હતા. મંધાનાએ 47 બોલમાં 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 163.82 રહ્યો હતો. મંધાનાની સતત ત્રીજી અડધી સદી અને રિચા ઘોષની T20માં સૌથી ઝડપી અડધી સદીના કારણે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20માં તેનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. અગાઉ ભારતે યુએઈ સામે બનાવેલા પાંચ વિકેટે 201 રનના સ્કોરને પાછળ છોડી દીધો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ ઇનિંગમાં ભારતે ચાર વિકેટે 217 રન બનાવ્યા હતા.
પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો
આ સીરિઝમાં સ્મૃતિ મંધાનાને સતત ત્રણ મેચમાં અડધી સદીની શાનદાર ઇનિંગ્સ રમવા બદલ પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સીરિઝમાં તેણે કુલ 193 રન બનાવ્યા હતા. પૂરી સીરિઝ દરમિયાન મંધાનાએ કુલ છ રેકોર્ડ બનાવ્યા હતા.
દ્વિપક્ષીય T20 સીરિઝમાં ભારતીય મહિલા દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ
સ્મૃતિ મંધાનાએ દ્વિપક્ષીય T20 સીરિઝમાં ભારતીય મહિલા દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ત્રણ મેચમાં 159.50ની સ્ટ્રાઈક રેટથી 193 રન બનાવ્યા હતા. આ સાથે તેણે ઓપનિંગ બેટર અને પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. મિતાલીએ ફેબ્રુઆરી 2018માં દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં 192 રન બનાવ્યા હતા.
મહિલા T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
ભારતીય બેટર સ્મૃતિ મંધાના મહિલા T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે. તેણે આ વર્ષે રમાયેલી 23 મેચમાં 763 રન બનાવ્યા અને ઈતિહાસ રચ્યો હતો. આ સાથે મંધાનાએ આ વર્ષે 21 મેચમાં 720 રન બનાવનાર શ્રીલંકાના કેપ્ટન ચામરી અટ્ટાપટ્ટબનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
એક કેલેન્ડર વર્ષમાં T20I મેચોમાં મંધાનાએ સૌથી વધુ વખત 50+ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો
એક કેલેન્ડર વર્ષમાં રમાયેલી મહિલા T20I મેચોમાં સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ વખત 50+ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે આઠમી વખત 77 રનની ઈનિંગ રમી હતી. આ કિસ્સામાં મંધાનાએ મિતાલી રાજને પાછળ છોડી દીધી હતી. જેણે 2018માં સાત વખત 50+ રન બનાવ્યા હતા.
મંધાના મહિલા T20I મેચોમાં સૌથી વધુ 50+ સ્કોર કરનારી બેટર
આ સિવાય મંધાના મહિલા T20I મેચોમાં સૌથી વધુ 30 વખત 50+ સ્કોર કરનારી બેટર પણ બની ગઈ હતી. આ બાબતમાં તેણે સુઝી બેટ્સને પાછળ છોડી દીધી છે, જેણે T20 મેચોમાં 50 કે તેથી વધુનો 29 વખત સ્કોર કર્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝ સામે મંધાનાએ મહિલા T20Iમાં સર્વોચ્ચ સ્કોર બનાવ્યો
વેસ્ટ ઈન્ડિઝ સામે મંધાનાએ 77 રન ફટકારીને મહિલા T20Iમાં કોઈ પણ ભારતીય બેટર દ્વારા કરવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. તેણે જાન્યુઆરી 2023માં પૂર્વ લંડનમાં મહિલા T20 વર્લ્ડકપ દરમિયાન બનાવેલા અણનમ 74 રનનો પોતાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
T20Iમાં એક કેલેન્ડર વર્ષમાં 100 કે તેથી વધુ ચોગ્ગા ફટકારનારી પહેલી મહિલા બેટર
T20I ક્રિકેટમાં સ્મૃતિ મંધાના એક કેલેન્ડર વર્ષમાં 100 કે તેથી વધુ ચોગ્ગા ફટકારનારી પહેલી મહિલા બેટર બની ગઈ છે. હવે તેના નામે એક કેલેન્ડર વર્ષમાં 104 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. આ મામલે તેણે હેલી મેથ્યુસને પાછળ છોડી દીધી હતી. જેણે ગયા વર્ષે 14 મેચમાં 99 ચોગ્ગા ફટકાર્યા હતા.
ભારતે 60 રનથી આ મેચ જીતી લીધી
આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં નવ વિકેટે ગુમાવીને 157 રન જ બનાવી શકી હતી અને ભારતે 60 રનથી આ મેચ જીતી લીધી હતી.