સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ, T20Iમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વની છઠ્ઠી અને બીજી ભારતીય મહિલા ક્રિકેટર
ભારતે પ્રથમ T20Iમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યું
સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે 52 બોલમાં 54 રન બનાવ્યા હતા
Image:Twitter |
Smriti Mandhana T20I Record : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20Iમાં ઈતિહાસ રચ્યો હતો. સ્મૃતિએ T20Iમાં 3,000 રનનો આંકડો પાર કરી લીધો છે. તે T20Iમાં 3,000 રનનો આંકડો પાર કરનાર ઓવરઓલ છઠ્ઠી અને ભારતની બીજી મહિલા ખેલાડી બની ગઈ છે.
મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે ફટકારી ફિફ્ટી
મંધાના પહેલા મહિલા ક્રિકેટમાં ભારત માટે માત્ર કેપ્ટન હરમનપ્રીત કૌરે આ આંકડો પાર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ T20I મેચમાં સ્મૃતિ મંધાનાએ રન ચેઝ કરતા 52 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 7 ચોગ્ગા અને 1 છગ્ગો પણ ફટકાર્યો હતો. ભારતને જીત અપાવવામાં મંધાનાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મંધાનાનું ક્રિકેટિંગ કરિયર
સ્મૃતિ મંધાનાએ તેના અત્યાર સુધીના ક્રિકેટ કરિયરમાં 126 T20I મેચની 122 ઈનિંગમાં 27.49ની એવરેજ અને 122.08ની સ્ટ્રાઈક રેટથી 3052 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 23 ફિફ્ટી પણ ફટકારી હતી. તેણે વર્ષ 2013માં બાંગ્લાદેશ સામે T20I ડેબ્યુ કર્યો હતો.
ભારતે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યું
ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલી પ્રથમ T20Iમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરતા 19.2 ઓવરમાં 141 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 17.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી જીત પોતાના નામે કરી હતી. ભારત માટે શેફાલી વર્માએ 44 બોલમાં 6 ચોગ્ગા ને 3 છગ્ગાની મદદથી 64 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.