રોહિત અને વિરાટ નિવૃત્ત ના થાય તો બહાર બેસાડો, બુમરાહ જીતાડશે: પૂર્વ ક્રિકેટર ભડક્યો
Image: Facebook
Rohit Sharma-Virat Kohli Poor Form: કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ખરાબ ફોર્મથી પસાર થઈ રહ્યા છે અને ટીકાકારોના નિશાને છે. કોહલીએ પર્થમાં સદી ફટકારી હતી પરંતુ તેના પ્રદર્શનમાં સાતત્ય નથી. મેલબર્નમાં હાર બાદ રોહિત અને વિરાટના ટેસ્ટ ક્રિકેટમાં ભવિષ્યને લઈને અટકળોએ જોર પકડ્યું છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સુરિન્દર ખન્નાનું માનવું છે કે ‘હવે સમય આવી ગયો છે કે રોહિત અને વિરાટે તેમના ભવિષ્યને લઈને કોઈ નિર્ણય લેવો જોઈએ. જો તે બંને કોઈ નિર્ણય ના લે, તો સિલેક્ટર્સે તે બંનેને નિવૃત્ત કરી દેવા જોઈએ.'
રોહિત-વિરાટ શું કરી રહ્યાં છે?
68 વર્ષીય સુરિન્દરે કહ્યું, 'રોહિત શર્મા અને વિરાટ કોહલી શું કરી રહ્યાં છે? ઋષભ પંતથી ધ્યાન હટાવો. તે પહેલા દિવસથી જ આવી રીતે જ રમતો હતો. તે આવી ભૂલો કરતો રહેશે. મને કોહલી અને રોહિત વિશે જણાવો. તે ગત 40-45 ઈનિંગથી શું કરી રહ્યાં છે? જો સેલેક્ટર્સ તેમને બહાર કરતા નથી તો બંનેએ જાતે જ બહાર બેસી જવું જોઈએ. હું અને તમે તેમને બહાર કરી શકતાં નથી. તે જે રીતના ફોર્મમાં છે, જો તમે બોલિંગ પણ કરશો તો તે આઉટ થઈ જશે. હું આ અનુભવથી કહી રહ્યો છું. જે તેમનો સ્કોરિંગ શોટ છે, તેને તેમણે કેમ ના રમવું જોઈએ? ડેવિડ ગોવર અને ગુંડપ્પા વિશ્વનાથે કટ શોટ રમીને ઘણા રન બનાવ્યા.'
આ પણ વાંચો: વિરાટ કોહલી પર પૂર્વ ક્રિકેટરનો કટાક્ષ, કહ્યું- BCCIએ ઉત્તરાધિકારી શોધી લેવો જોઈએ
આપણે જોઈએ છીએ અને આપણે રડીએ છીએ
પૂર્વ ક્રિકેટરે આગળ કહ્યું, 'આપણા બેટ્સમેન કોહલી અને રોહિત ફોર્મમાં નથી. દરમિયાન સેલેક્ટર્સે નિર્ણય લેવો જોઈએ. જો તે જાહેરાત કરી રહ્યાં નથી તો સેલેક્ટર્સે અમુક જાહેરાત કરવી જોઈએ. આગામી ટેસ્ટમાં યુવાનોને તક આપો, આપણે જીતીશું, જેમ કે બુમરાહની અધ્યક્ષતામાં આપણે પહેલી ટેસ્ટ જીતી હતી. આપણે ઓસ્ટ્રેલિયાને માત આપી. રોહિતના પાછા આવ્યા બાદથી આપણે સંઘર્ષ કરી રહ્યાં છે. મારી વાતો અઘરી લાગી શકે છે પરંતુ જો તમે જીતવા ઈચ્છો છો તો તમારે અઘરા નિર્ણય લેવા પડશે. આપણે જોઈએ છીએ, આપણે રડીએ છીએ, અમને આ કહેવાનો અધિકાર છે.' પાંચ મેચની સીરિઝમાં ઓસ્ટ્રેલિયા 2-1થી આગળ છે.
બંનેનું સીરિઝમાં આવું પ્રદર્શન
વર્તમાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચમાં બુમરાહે કેપ્ટનશિપ કરી હતી કેમ કે રોહિત પોતાના બીજા બાળકના જન્મના કારણે હાજર નહોતો. રોહિતે બીજી મેચમાં ટીમની કમાન સંભાળી પરંતુ ઓસ્ટ્રેલિયા 10 વિકેટથી જીતવામાં સફળ રહ્યું. ત્રીજી ટેસ્ટ ડ્રો પર છુટી જ્યારે મેલબર્નમાં આયોજિત ચોથી મેચમાં ભારતે 184 રનથી હાર વેઠી. સીરિઝની પાંચમી અને અંતિમ મેચ ત્રણ જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. રોહિતે સીરિઝમાં અત્યાર સુધી પાંચ ઈનિંગમાં 6.20 ના સરેરાશથી માત્ર 31 રન બનાવ્યા છે. તે ચાર વખત ડબલ સ્કોરમાં પહોંચ્યો નથી. કોહલીએ સાત ઈનિંગમાં 27.83 ની સરેરાશથી 167 રન બનાવ્યા છે. તે પણ ચાર વખત સિંગલ ડિજિટ સ્કોર પર પવેલિયન ફર્યો. બંને બેટ્સમેન ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સીરિઝમાં પણ છાપ છોડી શક્યો નહોતો.