ધારાવીની ઝૂંપડીમાં રહેતી સિમરન બની WPLની સૌથી મોંઘી ખેલાડી, ગુજરાત જાયન્ટ્સમાં થઈ સામેલ
Image : Instagram |
Simran Sheikh become most expensive player in WPL 2025 : ભારતની આર્થિક રાજધાની મનાતા મુંબઈની ઊંચી ઈમારતો વચ્ચેની ધારાવી ઝૂંપડી, જ્યાં રહેતા લાખો લોકોને તેમની રોજીંદી જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડે છે. જેમાં ઘણાં લોકોની તે જરૂરિયાતો પણ પૂરી થતી નથી. ધારાવીની ઝૂંપડીમાં રહેતા મોટાભાગના લોકો તે ઊંચી ઇમારતોનું સ્વપ્ન જુએ છે કે, જે તેમની ઝૂંપડીમાંથી આકાશને સ્પર્શતી જોવા મળે છે. પરંતુ તે ઝૂંપડીમાંથી ઉડવાની અને ત્યાં સુધી પહોંચવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે. જેઓ ઉડવાની હિંમત કરે છે. અને પછી તેઓ ઈતિહાસ રચી દે છે. આવું જ કંઇક ધારાવીની સિમરન શેખે કર્યું છે.
સૌથી મોંઘી ખેલાડી બની સિમરન
ધારાવીની જ ઝૂંપડીમાંથી આવતી સિમરન વુમન પ્રીમિયર લીગ(WPL) 2025ના ઓક્શનમાં સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે. સિમરનને ગુજરાત જાયન્ટ્સે રૂ. 1.9 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી છે. મુંબઈના ઓલરાઉન્ડરને સાઈન કરવા ગુજરાતે આ જોરદાર દાવ લગાવ્યો હતો. યુપી વોરિયર્સ ટીમનો ભાગ રહી ચૂકેલી સિમરન ઓકશનમાં હવે સૌથી મોંઘી ખેલાડી બની ગઈ છે.
ધારાવીની ઝૂંપડીમાંથી WPL સુધીની સફર
સિમરનના સંઘર્ષની વાત કરીએ તો તે ધારાવીની ગલીઓમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમીને આગળ વધી હતી. 15 વર્ષની ઉંમરથી જ તેની ક્રિકેટ રમવાની સફર શરૂ થઈ હતી. તે પહેલા યુનાઈટેડ ક્લબમાં જોડાઈ હતી. સિમરનને વિમેન્સ પ્રીમિયર લીગમાં 9 મેચનો અનુભવ છે. દિલ્હી કેપિટલ્સ અને જાયન્ટ્સ વચ્ચે સિમરનને પોતાની ટીમમાં સામેલ કરવા માટે સ્પર્ધા થઇ હતી. કેપિટલ્સે રૂ. 1.80 કરોડની બિડ કરી હતી, પરંતુ આ પછી ગુજરાત જાયન્ટ્સે રૂ. 1.90 કરોડની બિડ સાથે તેનો ટીમમાં સમાવેશ કર્યો હતો.
આ પણ વાંચો : બુમરાહ પર અભદ્ર ટિપ્પણીથી વિવાદ: કોમેન્ટેટરે 'સૌથી મોંઘો વાનર' શબ્દપ્રયોગ કર્યો
પિતા વાયરમેન છે સિમરનના
હકીકતમાં સિમરનના પિતા વાયરમેન છે. તેના પરિવારમાં ચાર બહેનો અને ત્રણ ભાઈઓ છે. સિમરનના માતા-પિતાએ પણ તેને ઘણું પ્રોત્સાહન આપ્યું હતું. સ્થાનિક ટુર્નામેન્ટમાં પોતાની ક્ષમતા સાબિત કર્યા પછી તેણીએ મુંબઈની અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું. અને પછી તે મહિલા પ્રીમિયર લીગમાં પ્રવેશ કર્યો હતો. હવે તેની નજર ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા પર છે.