ઝિમ્બાબ્વેના ખેલાડીએ રચ્યો ઈતિહાસ, ગેલ-મેક્કુલમનો રેકોર્ડ તોડનારો વિશ્વનો પહેલો બેટ્સમેન

સિકંદર રઝાએ વર્ષ 2023ની છેલ્લી ફિફ્ટી આયરલેન્ડ સામે ફટકારી હતી

ગઈકાલે રમાયેલી પ્રથમ T20I મેચમાં રઝાએ શ્રીલંકા સામે 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
ઝિમ્બાબ્વેના ખેલાડીએ રચ્યો ઈતિહાસ, ગેલ-મેક્કુલમનો રેકોર્ડ તોડનારો વિશ્વનો પહેલો બેટ્સમેન 1 - image
Image:Social Media

Sikandar Raza Hits Most Consecutive Half Centuries In T20I : ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમના કેપ્ટન સિકંદર રઝાએ શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ T20I મેચમાં ફિફ્ટી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. તેણે T20I ક્રિકેટમાં સતત 5 ઇનિંગ્સમાં 5 ફિફ્ટી ફટકારી હતી. તે આ ફોર્મેટમાં સતત 5 ફિફ્ટી ફટકારનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ અને ન્યુઝીલેન્ડના ખેલાડી બ્રેન્ડન મેક્કુલમના નામે હતો. આ બંને ખેલાડીઓએ તેમનાં કરિયરમાં સતત 4 ફિફ્ટી ફટકારી હતી. તે સિવાય સાઉથ આફ્રિકાના રીઝા હેન્ડ્રીક્સના નામે પણ સતત 4 ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ છે.

બેટિંગની સાથે સાથે બોલિંગમાં કમાલ કરી

છેલ્લી પાંચ T20I મેચોમાં સિકંદર રઝાએ બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે, તેણે આ તમામ 5 મેચોમાં ઓછામાં ઓછી 2 વિકેટ ઝડપી છે. રવાન્ડા સામે 27 નવેમ્બરના રોજ રમાયેલી મેચમાં રઝાએ 58 રનની શાનદાર ઇનિંગ રમવાની સાથે સાથે 3 રન આપીને 3 વિકેટ પણ ઝડપી હતી. ત્યારબાદ 29 નવેમ્બરના રોજ નાઈજીરિયા સામે 65 રનની ઇનિંગ રમી હતી અને બોલિંગ દરમિયાન તેણે 13 રન આપીને 2 વિકેટ પણ પોતાના નામે કરી હતી. કેન્યા સામે તેણે શાનદાર 82 રન બનાવ્યા હતા. આ સાથે તેણે 21 રન આપીને 2 વિકેટ પણ ઝડપી હતી.

આયરલેન્ડ સામે વર્ષ 2023ની છેલ્લી ફિફ્ટી ફટકારી

રઝાએ 7 ડિસેમ્બરે આયરલેન્ડ સામે વર્ષ 2023માં તેની છેલ્લી ફિફ્ટી ફટકારી હતી. આ દરમિયાન તેણે 65 રન બનાવવા ઉપરાંત 3 વિકેટ પણ લીધી હતી. હવે ગઈકાલે શ્રીલંકા સામે રઝાએ તેની સતત પાંચમી ફિફ્ટી ફટકારી અને 62 રનની ઇનિંગ રમી, આ દરમિયાન તેણે 3 વિકેટ પણ ઝડપી હતી.

ઝિમ્બાબ્વેના ખેલાડીએ રચ્યો ઈતિહાસ, ગેલ-મેક્કુલમનો રેકોર્ડ તોડનારો વિશ્વનો પહેલો બેટ્સમેન 2 - image


Google NewsGoogle News