શુભમન ગિલે વનડેમાં કર્યો ધમાકો, એક સાથે 8 દિગ્ગજોનો તોડ્યો રેકોર્ડ, હવે સચિન તેંડુલકર ટાર્ગેટ
ભારતીય ટીમે ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું હતું
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડે મેચમાં શુભમન ગિલે 63 બોલમાં 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી
Image:Twitter |
ભારતીય ટીમે ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડે મેચમાં શુભમન ગિલે 63 બોલમાં 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન ગિલે ઘણાં રેકોર્ડ બનાવ્યા હતા. આ ઉપરાંત ગિલે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમનો એક ખાસ રેકોર્ડ તોડ્યો હતો.
શુભમન ગિલ વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી
ભારતીય ટીમનો ઓપનર શુભમન ગિલ વનડેમાં 34 ઇનિંગ્સ બાદ સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. આમ કરીને તેણે બાબર આઝમને પાછળ છોડી દીધો છે. બાબરે પોતાના વનડે કરિયરની પહેલી 34 ઇનિંગ્સ બાદ કુલ 1689 રન બનાવ્યા હતા. જયારે ગિલ 34 ઇનિંગ્સમાં 1813 રન બનાવી ચુક્યો છે. વનડેમાં 34 ઇનિંગ્સ પછી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ખેલાડી હાશિમ અમલાના નામે છે. અમલાએ 34 ઇનિંગ્સમાં કુલ 1834 રન બનાવ્યા હતા.
ગિલ બન્યો વનડે ક્રિકેટમાં સૌથી રન બનાવનાર ખેલાડી
શુભમન ગિલ વર્ષ 2023માં વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. અત્યાર સુધી આ વર્ષે ગિલે 19 ઇનિંગ્સમાં કુલ 1126 રન બનાવ્યા છે જેમાં 4 સદી પણ સામેલ છે. આ પછી બીજા નંબર પર UAEનો ખેલાડી આસિફ ખાન છે જેણે 24 ઇનિંગ્સમાં 934 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર પથુમ નિસાંકા છે જેણે આ વર્ષે વનડેમાં 819 રન બનાવ્યા છે. ત્યાર પછી પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે 16 ઇનિંગ્સમાં આ વર્ષે 745 રન બનાવ્યા છે.
ગિલ તોડી શકે છે સચિનનો રેકોર્ડ
શુભમન ગિલ પાસે આ વર્ષે સચિન તેંડુલકરનો એક ખાસ રેકોર્ડ તોડવાની તક છે. સચિનના નામે વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેંડુલકરે વર્ષ 1998માં 1894 રન બનાવ્યા હતા. જયારે ગિલે વર્ષ 2023માં અત્યાર સુધી કુલ 1126 રન બનાવી લીધા છે. જો તે 771 રન બનાવવામાં સફળ રહ્યો તો તે વનડેમાં એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે.
શુભમન ગિલે આ 8 દિગ્ગજ ખેલાડીઓનો રેકોર્ડ તોડ્યો
શુભમન ગિલે વર્ષ 2023માં અત્યાર સુધી વનડેમાં 1126 રન બનાવી લીધા છે. આમ કરી તેણે વનડેમાં એક કેલેન્ડર યરમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં 8 દિગ્ગજ ખેલાડીઓને પછાડી દીધા છે. વર્ષ 2007માં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ. એસ ધોનીએ વનડેમાં કુલ 1103 રન બનાવ્યા હતા. મોહમ્મદ અઝરુદ્દીને વર્ષ 1997માં 1104 રન બનાવ્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાન ટીમના એજાઝ અહેમદે વર્ષ 1997માં 1104 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈન્ઝમામ ઉલ હકે વર્ષ 1999માં 1106 રન બનાવ્યા હતા. સૌરવ ગાંગુલીએ વર્ષ 2002માં 1114 રન બનાવ્યા હતા. ગ્રાન્ટ ફ્લાવરે વર્ષ 2001માં 1119 રન બનાવ્યા હતા. ગૌતમ ગંભીર વર્ષ 2008માં એક કેલેન્ડર વર્ષમાં 1119 રન બનાવવામાં સફળ રહ્યો હતો. શુભમન ગિલે આ તમામ 8 દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.