Get The App

ક્રિકેટ વર્લ્ડ કપ 2027 પછી ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન કોણ?, પૂર્વ ભારતીય કોચે વટાણા વેરી દીધા

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News

Shubman Gill

Image:Twitter 

Shubman Gill : રોહિત શર્મા બાદ ટીમ ઇન્ડિયાનો વનડે અને ટેસ્ટ કૅપ્ટન કોણ હશે તે એક મોટો સવાલ છે. ચારેકોર રાહુલ, પંત, સૂર્યા, ગિલની ચર્ચા થઈ રહી છે તેવામાં આ સવાલ પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ફિલ્ડિંગ કોચ આર શ્રીધરે મોટો દાવો કર્યો છે. શ્રીધરે કહ્યું છે કે શુભમન ગિલ ટીમ ઇન્ડિયાનો આગામી કૅપ્ટન બનવા જઈ રહ્યો છે. તેમના મતે રોહિતની નિવૃત્તિ બાદ શુભમન ગિલને વનડે અને ટેસ્ટ ટીમની કપ્તાની સોંપવામાં આવશે. શ્રીધરે પોતાના આ તર્ક પાછળનું કારણ પણ જણાવ્યું છે.

ગિલ વિશે શ્રીધરનો મોટો દાવો

આર શ્રીધરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, શુભમન ગિલ તમામ ફોર્મેટનો ખેલાડી છે અને તે રોહિત શર્માનો ઉત્તરાધિકારી બનશે. તે ટેસ્ટ અને વનડેમાં રોહિત શર્માની જગ્યાએ કૅપ્ટન બનશે. શ્રીધરે આશા વ્યક્ત કરી કે શુભમન ગિલ 2027ના વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયાના ત્રણેય ફોર્મેટનો કૅપ્ટન બનવા જઈ રહ્યો છે.

BCCIના તાજેતરના નિર્ણયોમાં શ્રીધરની સંભાવનાને હકારાત્મક પ્રતિસાદ પણ મળી રહ્યો છે. શ્રીલંકા સિરીઝ પહેલા જ ગિલને ટીમ ઇન્ડિયાનો ODI અને T20 વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ તેને વાઇસ કૅપ્ટન બનાવવાના અહેવાલ સામે આવ્યા છે. હવે જોઈએ કે આગળ શું થાય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ આ દિશામાં ઇશારો કરી રહી છે.

ગિલ માટે કપરાં ચઢાણ :

જો કે શુભમન ગિલ માટે ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન બનવું એટલું સરળ નથી. આ માટે સૌથી પહેલા તેણે પોતે વ્યક્તિગ ધોરણે સતત સારું પ્રદર્શન કરવું પડશે, જે હાલ આંકડામાં શક્ય નથી દેખાઈ રહ્યું. ખાસ કરીને ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાં સતત સારું પરફોર્મન્સ આપવામાં તે નિષ્ફળ રહ્યો છે. 

ક્રિકેટ જગતના ઘણાં નિષ્ણાતોએ ગિલને ટી-20 ટીમનો વાઇસ કૅપ્ટન બનાવવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. વાસ્તવમાં ટી-20માં ગિલના સ્ટ્રાઇક રેટ પર હંમેશા સવાલો ઉઠતાં રહ્યા છે. વર્તમાન નવનિયુક્ત મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પોતે જ ગત વર્ષે એક ઇન્ટરવ્યુમાં પૃથ્વી શૉને ગિલ કરતાં વધુ સારો T20 બેટ્સમેન ગણાવ્યો હતો. આવી સ્થિતિમાં જો ગિલ કૅપ્ટન બનવા માંગે છે તો તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવું પડશે અને જાળવી રાખવું પડશે.


Google NewsGoogle News