ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનરને થયો ડેન્ગ્યૂ, વર્લ્ડકપમાં મિશન આરંભ કરે તે પહેલાં જ મોટો ઝટકો
શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા તે બીમાર પડી ગયો
તે પ્રથમ મેચ રમી શકશે કે નહી? આ મામલે સ્થિતિ સ્પષ્ટ નથી
Shubman Gill tested positive for dengue: ટીમ ઈન્ડિયાના (ICC World Cup 2023) સ્ટાર ક્રિકેટર અને પોતાની ધારદાર બેટિંગથી શત્રુ ટીમનો પરસેવો છોડાવી દેનાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેનું રમવું શંકાસ્પદ મનાઈ રહ્યું છે. ટીમ મેનેજમેન્ટ શુક્રવારે કેટલાક ટેસ્ટિંગ બાદ સ્ટાર બેટ્સમેનની ઉપલબ્ધતા અંગે નિર્ણય લેશે.
ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમના મિશન વર્લ્ડકપની શરૂઆત થશે
શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા તે બીમાર પડી ગયો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે આ એક મોટો આંચકો મનાઈ રહ્યો છે. જો કે તે પ્રથમ મેચ રમી શકશે કે નહી? આ મામલે સ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ BCCIની મેડિકલ ટીમ આ સ્ટાર બેટ્સમેનના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.
શુભમન ગિલની સારવાર ચાલી રહી છે?
ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આવી સ્થિતિમાં આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વગર મેદાનમાં ઉતરી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બેટ્સમેને ગુરુવારે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના નેટ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. આ પછી, ડેન્ગ્યુ સંબંધિત પરીક્ષણો કરવામાં આવ્યા, જે પછી તેની સારવાર ચાલી રહી છે. આ બાબત સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ ગિલના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે. શુક્રવારે ટેસ્ટિંગનો બીજો રાઉન્ડ કરવામાં આવશે. આ પછી જ નક્કી થશે કે શુભમન ગિલ કાંગારૂ ટીમ સામે રમશે કે નહીં.
તો પછી કોણ કરશે ઓપનિંગ?
જો શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈના ચેપોકમાં નહીં રમે તો મોટો સવાલ એ છે કે આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે કોણ ઓપનિંગ કરશે? આવી સ્થિતિમાં આ મહત્વપૂર્ણ મેચમાં રોહિત શર્માની સાથે શુભમન ગિલની જગ્યાએ ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે. એક અન્ય દાવેદાર કેએલ રાહુલ પણ છે, કારણ કે એશિયા કપમાં પરત ફર્યા બાદ શાનદાર ફોર્મમાં છે.