IND vs ENG : શુભમન ગિલને લઈને ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, મેદાનમાં વાપસી થઈ મુશ્કેલ
બીજી ઇનિંગમાં શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા 104 રન બનાવ્યા હતા
ભારતે ઇંગ્લેન્ડને જીતવા 399 રનનો ટાર્ગેટ આપ્યો
Image:Twitter |
Shubman Gill Injured : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ભારતીય ટીમના સ્ટાર યુવા ખેલાડી શુભમન ગિલે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગિલે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. જો કે મેચના ચોથા દિવસે ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. શુભમન ગિલને ઈજા થઇ છે, જેથી તે મેદાનમાં ટીમ સાથે ઉતાર્યો ન હતો.
ગિલના જમણા હાથની આંગળીમાં થઇ ઈજા
શુભમન ગિલને ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે ફિલ્ડિંગ દરમિયાન ઈજા થઇ હતી. આ ઈજા તેના જમણા હાથની આંગળીમાં થઇ હતી. પીડા સહન કરીને તેણે બીજી ઇનિંગમાં બેટિંગ કરી હતી અને સદી પણ ફટકારી હતી, પરંતુ ચોથા દિવસે તે મેદાનની બહાર થઇ ગયો હતો.
ગિલના સ્થાને સરફરાઝ કરી રહ્યો છે ફિલ્ડિંગ
વિશાખાપટ્ટનમ ટેસ્ટના ચોથા દિવસે જ્યારે ભારતીય ટીમ 399 રનનો ટાર્ગેટ બચાવવા મેદાનમાં ઉતરી ત્યારે ગિલના સ્થાને સરફરાઝ ખાન ટીમની સાથે આવ્યો હતો. આશા છે કે ગિલની ઈજા બહુ ગંભીર નથી. જેથી તે ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ માટે ઉપલબ્ધ થઈ શકે. જો કે ઈજા કેટલી ગંભીર છે તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી.