અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સની દમદાર જીત છતાં શુભમન ગિલ દંડાયો, BCCIએ વસૂલ્યાં 12 લાખ
GT vs DC Match IPL 2025: IPL 2025ની 35મી મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. આ મેચ જીત્યા બાદ ગુજરાતની ટીમને ઝટકો લાગ્યો છે. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને BCCI દ્વારા 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ તેમની ટીમના ધીમા ઓવર રેટને કારણે ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં ગુજરાતનો આ પહેલો ઓવર-રેટ ઉલ્લંઘન હતો.
IPL 2025માં છઠ્ઠા કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો
શુભમન ગિલ IPL 2025નો છઠ્ઠો કેપ્ટન છે જેને BCCI દ્વારા સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. IPLએ એક નિવેદનમાં કહ્યું કે, 'ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે તેની ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે IPL 2025 ની 35મી મેચ દરમિયાન ધીમો ઓવર-રેટ જાળવી રાખ્યો હતો. IPL આચાર સંહિતાના કલમ 2.22 હેઠળ આ મામલે આ સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હતો. તેથી, ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.'
આ પણ વાંચો: 1 રૂપિયાની નોટના ચક્કરમાં 10 લાખનો ચૂનો, કેશિયર સાથે છેતરપિંડીના કેસ વિશે જાણી ચોંકી જશો
ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલને પણ સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, લખનઉ સુપર જાયન્ટ્સના ઋષભ પંત, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રજત પાટીદાર અને રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અને રિયાન પરાગને પણ સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે.