ગિલનો ટીકાકારોને જવાબ, 11 મહિના બાદ ફટકારી સદી, સચિન-કોહલીની ખાસ ક્લબમાં થયો સામેલ
શુભમન ગિલે આ પહેલા માર્ચ 2023માં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી
Image:Twitter |
IND vs ENG 2nd Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં ભારતીય ટીમના યુવા ખેલાડી શુભમન ગિલે શાનદાર સદી ફટકારીને ટીકાકારોને ચૂપ કરાવી દીધા છે. ગિલે 11 મહિના બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી છે. આ તેના ટેસ્ટ કરિયરની ત્રીજી સદી છે. ગિલે બીજી ટેસ્ટ મેચમાં 147 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
છેલ્લી 12 ઇનિંગ્સમાં નિરાશાજનક પ્રદર્શન
શુભમન ગિલે આ પહેલા માર્ચ 2023માં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે 235 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 128 રનની ઇનિંગ રમી હતી. આ પછી રમાયેલી 12 ઇનિંગ્સમાં તેનું બેટ શાંત રહ્યું હતું. તે એક પણ ફિફ્ટી ફટકારી શક્યો ન હતો. તેણે 12 ઇનિંગ્સમાં 13, 18, 6, 10, 29*, 2, 26, 36, 10, 23, 0, 34 રન બનાવ્યા હતા. હૈદરાબાદ ટેસ્ટમાં તે શૂન્ય પર આઉટ થયો હતો, જેના કારણે તેને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
તેંડુલકર અને કોહલીની કરી બરાબરી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શુભમનની આ 10મી સદી છે. તેણે 25 વર્ષની ઉંમર પહેલા આ આંકડો સ્પર્શ કરી લીધો છે. તેના પહેલા માત્ર બે બેટ્સમેન ભારત માટે આવું કરી શક્યા હતા. 25 વર્ષના થતા પહેલા સચિન તેંડુલકરે 273 ઇનિંગ્સમાં 30 સદી ફટકારી હતી. જ્યારે વિરાટ કોહલીએ 163 ઇનિંગ્સમાં 21 સદી ફટકારી હતી.