ભારતીય બેટરે કરી દીધી મોટી ભૂલ, હવે ટીમ ઇન્ડિયામાં વાપસી કરવી મુશ્કેલ, સતત નિરાશાજનક પ્રદર્શન
Shreyas Iyer : હાલમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે T20 સીરિઝ રમી રહી છે. આ પછી ભારતીય ટીમ ન્યૂઝીલૅન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમશે. આ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય બેટર શ્રેયસ અય્યર ટીમમાં પોતાનું સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ વખતે પણ તે ટીમમાં વાપસી કરી શક્યો નથી.
હાલમાં અય્યર ઘરેલું ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. રણજી ટ્રોફીમાં પણ તેની શરુઆત ઘણી ખરાબ રહી છે, જેના કારણે તેની ભારતીય ટીમમાં વાપસી કરવી વધુ મુશ્કેલ બની ગઈ છે. 2024/25ના ઘરેલું ક્રિકેટની ટુર્નામેન્ટમાં શ્રેયસ અય્યર અત્યાર સુધી કંઈ ખાસ કરી શક્યો નથી. ઘરેલું ક્રિકેટમાં તે સતત ફ્લોપ થઈ રહ્યો છે. રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી બરોડા સામેની મેચમાં અય્યર પહેલી ઇનિંગમાં 8 બોલનો સામનો કરી ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો. અય્યર છેલ્લી 4 ફર્સ્ટ ક્લાસ મેચમાં ત્રીજી વખત ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો.
આ સિવાય અય્યર અગાઉ દુલીપ ટ્રોફી અને ઈરાની ટ્રોફીમાં પણ ભાગ લઈ ચૂક્યો છે. પરંતુ અહીં પણ તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. દુલીપ ટ્રોફીની ત્રણ મેચમાં પણ તે બે વખત ખાતું ખોલાવી શક્યો નહોતો.
દુલીપ ટ્રોફીમાં અય્યરે 3 મેચની 6 ઇનિંગ્સમાં 25.66ની સરેરાશથી માત્ર 154 રન બનાવ્યા હતા. જેમાં 2 અડધી સદી સામેલ છે. તે એક પણ સદી ફટકારી શક્યો નહોતો. જેના કારણે તેને બાંગ્લાદેશ ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. તેને ઈરાની ટ્રોફીમાં મુંબઈની ટીમમાં સ્થાન મળ્યું હતું. તેણે તે મેચની પહેલી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ બીજી ઇનિંગમાં 12 બોલનો સામનો કરી 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
સતત ખરાબ પ્રદર્શનને કારણે અય્યરની ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી હાલ ઘણી મુશ્કેલ લાગી રહી છે. ભારત માટે અય્યરે તેની છેલ્લી ટેસ્ટ મેચ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇંગ્લૅન્ડ સામે રમી હતી. ત્યારથી તે ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.