VIDEO: જુઓ ધૂરંધર બેટરની બોલિંગ! સુનિલ નારાયણની જેમ છેક સુધી છુપાવી રાખ્યો બોલ, ગંભીરને ખાસ ગમશે
Shreyas Iyer Video: ટીમ ઈન્ડિયા હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક પર છે. ભારતમાં ઘરેલુ ક્રિકેટની કેટલીક ટુર્નામેન્ટ્સ રમાઈ રહી છે. દિલ્હીમાં પ્રીમિયર લીગ તો બીજી તરફ દુલિપ ટ્રોફી અને બુચી બાબુ જેવી ટુર્નામેન્ટ પણ રમાઈ રહી છે. આ દરેક ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમના ઘણાં ખેલાડીઓ પોતાની તાકાત બતાવી રહ્યા છે. આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને કેટલાક ખેલાડીઓ બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી અગાઉ પસંદગીકારો અને ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરનું ધ્યાન પોતાની તરફ ખેંચવા મહેનત કરી રહ્યા છે.
શ્રેયસ ઐય્યરે બોલિંગ પર હાથ અજમાવ્યો
વિકેટ કીપર બેટર ઈશાન કિશને શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયામાં વાપસીનો મજબૂત દાવો રજૂ કર્યો હતો. હવે શ્રેયસ અય્યરે પોતાની બોલિંગથી કોચ ગૌતમ ગંભીરનું ધ્યાન ખેંચ્યું છે. KKRમાં તેની જ ટીમના સભ્ય સુનીલ નારાયણ જેવી જ બોલિંગ એક્શન બૂચી બાબુ ટુર્નામેન્ટ દરમિયાન શ્રેયસ અય્યરની જોવા મળી છે.
ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીરનું માનવું છે કે ભારતીય ટીમના દરેક ખેલાડીએ થોડી બોલિંગ કરવી જોઈએ, જેથી ટીમને મેચમાં સંકટના સમયે મદદ મળી શકે. જ્યારથી ગૌતમ ગંભીર ટીમનો કોચ બન્યો છે ત્યારથી ક્રિકેટ ફેન્સે સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહને મેદાનમાં બોલિંગ કરતા જોયા છે, જ્યારે ઘરેલુ ક્રિકેટમાં હવે અય્યર પણ બોલિંગ કરતો દેખાયો હતો. આ ઓવરમાં અય્યરે માત્ર 7 રન જ આપ્યા હતા.
સુનીલ નારાયણ જેવી બોલિંગ એક્શન
શ્રેયસ અય્યર બુચી બાબુ ટુર્નામેન્ટમાં મુંબઈની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ ટુર્નામેન્ટ દરમિયાન મુંબઈ અને તમિલનાડુની TNCA 11 વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં શ્રેયસ અય્યર મુંબઈ તરફથી બોલિંગ કરતો જોવા મળ્યો હતો. ઐયરની બોલિંગ એક્શન જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે શ્રેયસ અય્યરની બોલિંગ એક્શન વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર સુનીલ નારાયણ જેવી જ છે. હવે અય્યરની બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશી ક્રિકેટરને હત્યાના કેસમાં મળી રાહત, પરંતુ બેટર સામે બોલ ફેંકવા બદલ થઈ સજા!
શ્રેયસ ઐય્યર માટે ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસની વન-ડે શ્રેણી સારી રહી નહોતી. ભારત બે દશકા પછી અહીં શ્રેણી હાર્યું હતું જેમાં શ્રીલંકન બોલર્સે તરખાટ મચાવ્યો હતો. આ શ્રેણીમાં શ્રેયસ ઐય્યર પણ નિષ્ફળ રહ્યો હતો. માટે હવે જો અય્યરને બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન બનાવવું હોય તો તેણે સ્થાનિક ક્રિકેટ સારું પ્રદર્શન કરવું પડશે.