શ્રેયસ અય્યરને રણજી ટ્રોફી રમવી ભારે પડી! IPL 2024 પહેલા ઇજાએ KKRની મુશ્કેલીઓ વધારી
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ રહી છે
Image:File Photo |
Shreyas Iyer : ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યરને લઈને હાલમાં ઘણી ચર્ચા ચાલી હતી, કારણ કે તેને અને ઈશાન કિશનને BCCI દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાકટમાંથી દૂર કરવામાં આવ્યા હતા. શ્રેયસ અય્યર વિશે BCCIનું માનવું હતું કે તેણે રણજી ટ્રોફીને મહત્વ આપ્યું નથી અને તે IPL 2024ની તૈયારીઓ માટે કોલકાતા નાઈટ રાઈડર્સના કેમ્પમાં પહોંચ્યો હતો. શ્રેયસ અય્યર રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મુંબઈ માટે છોડી ગયો હતો કારણ કે તેને પીઠનો દુખાવો હતો. જો કે નેશનલ ક્રિકેટ એકેડમીનું માનવું હતું કે તે સંપૂર્ણ રીતે ફિટ છે, પરંતુ શ્રેયસ અય્યરની પીઠમાં રણજી ટ્રોફીની ફાઇનલમાં ફરી દુખાવો થયો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મોટો ઝટકો
શ્રેયસ અય્યરે વિદર્ભ સામે રમાઈ રહેલી રણજી ટ્રોફી ફાઈનલમાં 95 રનની ઇનિંગ રમી હતી, પરંતુ આ ઇનિંગ દરમિયાન તેની પીઠની ઇજા ફરી સામે આવી હતી. ગયા વર્ષે તેણે આ ઈજા માટે સર્જરી કરાવી હતી અને હવે આ ઈજાને કારણે તે IPL 2024ની કેટલીક મેચો ચૂકી શકે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ એક મોટો ઝટકો છે, કારણ કે તે ટીમનો કેપ્ટન છે. હવે ટુર્નામેન્ટ શરૂ થવામાં થોડા જ દિવસ બાકી છે અને ટીમને 23 માર્ચે તેની પ્રથમ મેચ રમવાની છે. આ પહેલા એક મહત્વપૂર્ણ ખેલાડીની ઈજા માત્ર KKR માટે મોટો ઝટકો નથી, તે BCCI અને NCAના વલણ પર પણ સવાલો ઉભા કરે છે.
ફાઈનલના ચોથા દિવસે અય્યર મેદાનમાં ઉતરી શક્યો ન હતો
શ્રેયસ અય્યરને મંગળવારે તેની બેટિંગ દરમિયાન પીઠના દુખાવા માટે બે વખત મુંબઈના ફિઝિયો પાસે સારવાર લેવી પડી હતી. ગઈકાલે રણજી ટ્રોફી ફાઈનલના ચોથા દિવસે અય્યર આખો દિવસ મેદાનમાં ઉતરી શક્યો ન હતો. મળેલા અહેવાલ મુજબ અય્યર પોતાની પીઠના સ્કેન માટે હોસ્પિટલમાં ગયો હતો. એક સૂત્રે જણાવ્યું હતું કે, "ઈજા સારી દેખાઈ રહી નથી. તે એ જ પીઠની ઈજા છે જે વધી ગઈ છે. તે રણજી ટ્રોફી ફાઈનલના પાંચમા દિવસે મેદાનમાં ઉતરે તેવી શક્યતા નથી. તે કદાચ IPL 2024ની શરૂઆતની મેચોમાં પણ રમી શકશે નહીં."
NCA મેડિકલ ટીમના વડાએ અય્યરને ફિટ જાહેર કર્યો હતો
વિદર્ભ સામે રમાઈ રહેલી રણજી ટ્રોફીની ફાઇનલમાં 30-40 મિનિટ સુધી બેટિંગ કર્યા બાદ શ્રેયસે પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી. સૂત્રે જણાવ્યું હતું કે, "હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે સમાપ્ત થયેલ ટેસ્ટ સીરિઝ દરમિયાન તેણે ભારતીય ટીમ મેનેજમેન્ટને આ ઈજા વિશે જાણ કરી હતી, જે તેને ફરીથી પરેશાન કરી રહી છે." જો કે NCA મેડિકલ ટીમના વડા નીતિન પટેલે તેને ફિટ જાહેર કર્યો હતો. BCCIએ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી વંચિત રાખ્યો હતો કારણ કે તે રણજી ટ્રોફી મેચ નથી રમી રહ્યો.