Get The App

કિશન બાદ અય્યરના રણજી રમવાના ઠાગાઠૈયા, NCAનો ફિટનેસ પર ઘટસ્ફોટ

મુંબઈ અને બરોડા વચ્ચે આવતીકાલે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચ રમાશે

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
કિશન બાદ અય્યરના રણજી રમવાના ઠાગાઠૈયા, NCAનો ફિટનેસ પર ઘટસ્ફોટ 1 - image
Image:Twitter

Shreyas Iyer Out Of Ranji Trophy : ભારતીય ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ મેદાનની બહાર પોતાના વર્તન અને BCCIના આદેશની અવગણનાને કારણે ચર્ચામાં છે. ઈશાન કિશનનો મામલો બધાની સામે છે અને હવે તેમાં એક નવું નામ શ્રેયસ અય્યરનું પણ ઉમેરાયું છે. અય્યર વિશે આવો અહેવાલ સામે આવ્યો છે, જેના કારણે સવાલ ઉઠી રહ્યો છે કે શું તે બહાનું બનાવી રહ્યો છે.

રણજી ટ્રોફી 2024ની ક્વાર્ટર ફાઈનલ માટે ઉપલબ્ધ નથી અય્યર

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શ્રેયસ અય્યરે એક દિવસ પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને જાણ કરી હતી કે તે રણજી ટ્રોફી 2024ની ક્વાર્ટર ફાઈનલ માટે ઉપલબ્ધ નથી કારણ કે તેને પીઠમાં દુખાવો છે. જો કે નેશનલ ક્રિકેટ એકેડમીના સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિકલ હેડ નીતિન પટેલે પસંદગીકારોને મોકલેલા ઈમેલમાં જણાવ્યું હતું કે શ્રેયસ અય્યર ફિટ છે અને તેને કોઈ નવી ઈજા નથી. આવી સ્થિતિમાં તેણે રમવા માટે તૈયાર રહેવું જોઈતું હતું.

“શ્રેયસ અય્યર ફિટ હતો અને પસંદગી માટે ઉપલબ્ધ હતો” - NCA

મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, “શ્રેયસ અય્યરે આવતીકાલથી બરોડા સામેની રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગેરહાજરીનું કારણ પીઠના દુખાવાને દર્શાવ્યું હતું, પરંતુ અહેવાલ મુજબ, નીતિન પટેલે તેના ઈમેલમાં લખ્યું હતું કે, “ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પછી ભારતીય ટીમના હેન્ડઓવર રિપોર્ટ મુજબ, શ્રેયસ અય્યર ફિટ હતો અને પસંદગી માટે ઉપલબ્ધ હતો. ભારતીય ટીમમાંથી તેની વિદાય બાદ હાલમાં કોઈ નવી ઈજાના સમાચાર નથી."

અય્યર ફિટ થયા પછી પણ રણજી ટ્રોફીમાં રમવા તૈયાર નહીં

આવતા મહિનાથી IPL 2024 શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર કદાચ તે ટૂર્નામેન્ટ માટે ફિટ રહેવા માંગે છે. કદાચ આ જ કારણ છે કે તે સંપૂર્ણ રીતે ફિટ થયા પછી પણ રણજી ટ્રોફીમાં રમવા તૈયાર નથી. શ્રેયસ અય્યર ઈજાના કારણે ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી શક્યો ન હતો. આવી સ્થિતિમાં તે આ વખતે સંપૂર્ણ ફિટ થઈને ટીમમાં વાપસી કરીને ટીમની કેપ્ટનશિપ કરવા ઈચ્છશે.

BCCIએ આપી હતી ચેતવણી

હવે NCAના રિપોર્ટ બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શું શ્રેયસે રણજી મેચ ન રમવા માટે મુંબઈ ટીમ મેનેજમેન્ટને ઈજાનું ખોટું બહાનું બનાવ્યું? ફરી દુખાવો થયો પરંતુ તેણે NCAને જાણ કરી ન હતી, જે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓ માટે ફરજિયાત છે. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે BCCI સેક્રેટરી જય શાહે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અને ભારત-Aના ખેલાડીઓને કડક ચેતવણી આપી છે કે તેઓએ ડોમેસ્ટિક ક્રિકેટ રમવી પડશે, જે પસંદગી માટે એક મહત્વપૂર્ણ માપદંડ છે. શાહે તમામ ખેલાડીઓને લખેલા પત્રમાં કહ્યું હતું કે ડોમેસ્ટિક ક્રિકેટ કરતાં IPLને પ્રાધાન્ય આપતા ખેલાડીઓનું આ વલણ ખરાબ છે અને આવું કરનાર ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કિશન બાદ અય્યરના રણજી રમવાના ઠાગાઠૈયા, NCAનો ફિટનેસ પર ઘટસ્ફોટ 2 - image


Google NewsGoogle News