Get The App

હું અત્યંત નિરાશ છું, રિટેન્શન માટે પ્રયાસ ન કરાયો: KKRથી અલગ થયા બાદ શ્રેયસ અય્યરનું દર્દ છલકાયું

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
હું અત્યંત નિરાશ છું, રિટેન્શન માટે પ્રયાસ ન કરાયો: KKRથી અલગ થયા બાદ શ્રેયસ અય્યરનું દર્દ છલકાયું 1 - image


Shreyas Iyer : શ્રેયસ અય્યર IPL 2025માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરશે. કોલકાતા નાઈટ રાઈડર્સને આઈપીએલ 2024નો ખિતાબ અપાવનાર અય્યરને લઈને એવી અફવા હતી કે, નાઈટ રાઈડર્સ તેને રિટેન કરશે, પરંતુ તેની સાથે પણ એવું જ થયું જેવું 2021માં ઈયોન મોર્ગન સાથે થયું હતું.  ફ્રેન્ચાઈઝીએ તેને ગત નવેમ્બરમાં મેગા ઓક્શન પહેલા રિલીઝ કરી દીધો હતો. ત્યારબાદ ઓક્શનમાં પંજાબ કિંગ્સે અય્યને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે IPLના ઈતિહાસમાં ઋષભ પંત પછી બીજો સૌથી મોંઘો ખેલાડી છે. હવે કોલકાતા નાઈટ રાઈડર્સથી અલગ થવા વિશે પહેલી વાર વાત કરતા અય્યરે જણાવ્યું કે, આ બધું વાતચીતના અભાવે થયું છે.

2021માં મોર્ગનની કેપ્ટનશીપમાં ફાઈનલમાં પહોંચ્યા બાદ KKR સતત બંને સિઝનમાં સાતમા સ્થાન પર રહી હતી. કમરની ઈજાને કારણે અય્યર IPL 2023 નહોતો રમી શક્યો. જોકે, તેના આગામી વર્ષે વાપસી કરીને તેણે મેન્ટર ગૌતમ ગંભીર સાથે મળીને ફ્રેન્ચાઈઝીમાં ઇતિહાસમાં પોતાનો ત્રીજો ખિતાબ અપાવ્યો હતો. ત્યારબાદ ગંભીરને ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

રિટેન્શન માટે પ્રયાસ ન કરાયો

અય્યરે સ્વીકાર્યું કે, મને વિશ્વાસ હતો કે, મને KKR રિટેન કરી લેશે, ખાસ કરીને ત્યારે જ્યારે ફ્રેન્ચાઈઝીએ સીઝન સમાપ્ત થયા પછી તરત જ રિટેન્શનની વાત કરી હતી. જોકે, ત્યારબાદ KKR દ્વારા કોઈ પ્રયાસો ન કરાતા હું હેરાન રહી ગયો હતો. અને પછી મેં અંતે અલગ થવાનો નિર્ણય લીધો. તેણે કહ્યું- ચોક્કસપણે ચેમ્પિયનશિપ જીત્યા પછી મેં KKRમાં શાનદાર સમય વિતાવ્યો. ફેન ફોલોઈંગ પણ શાનદાર હતી. તેઓ સ્ટેડિયમમાં જોશ ભરી રહ્યા હતા અને મેં ત્યાં વિતાવેલી દરેક ક્ષણનો આનંદ માણ્યો. IPL ચેમ્પિયનશિપ પછી તરત જ અમારી વચ્ચે વાતચીત થઈ હતી, પરંતુ થોડા મહિનાઓ સુધી કોઈ વાતચીત થઈ ન અને રિટેન્શન માટે પણ વધુ પ્રયાસો ન કરાયા. હું હેરાન હતો કે આ શું થઈ રહ્યું છે. તેથી વાતચીતના અભાવે અમે એવી પરિસ્થિતિમાં આવી ગયા કે અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો.

આ પણ વાંચો: ઋષભ પંત બન્યો લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન, IPL 2025 પહેલાં ગોયન્કાની જાહેરાત

 હું અત્યંત નિરાશ છું

ઐયરે એ વાત પર પણ નિરાશા વ્યક્ત કરી કે KKRએ ડેડલાઈન પહેલા છેલ્લા અઠવાડિયા સુધી ખેલાડીઓને રિટેન કરવા અંગે કોઈ વાતચીત ન કરી. તેણે કહ્યું- હા, હું અત્યંત નિરાશ છું, કારણ કે જ્યારે તમારી પાસે વાતચીતની કોઈ નિશ્ચિત લાઈન ન હોય અને જો તમને રિટેન્શન ડેડલાઇનના એક અઠવાડિયા પહેલા કંઈક ખબર પડે તો સ્વાભાવિક છે કે, ત્યાં કંઈક અભાવ છે. તેથી મારે નિર્ણય લેવો પડ્યો. જે કંઈ લખાયું છે તે જ થશે.

મેગા ઓક્શનમાં અય્યર થોડા સમય માટે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો, પરંતુ પછી ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો, ત્યારબાદ ઐયર બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો. 


Google NewsGoogle News