નિશાનેબાજ મનુ ભાકર : એક જ ઓલિમ્પિકમાં બે ચંદ્રકની સિદ્ધિ
ભારતની નિશાનેબાજ મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બબ્બે કાંસ્ય ચંદ્રકો જીતવાની સાથે આગવો ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે તે ભારતીય રમત ઈતિહાસમાં પહેલી એવી મહિલા ખેલાડી બની હતી કે, જેણે એક જ ઓલિમ્પિકમાં બબ્બે ચંદ્રકો જીત્યા હોય. મનુએ મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો. ત્યાર બાદ તેણે સરબજોત સિંઘ સાથે મળીને મિક્સ ૧૦ મીટર એર પિસ્તોલની ટીમ ઈવેન્ટમાં કાંસ્ય સફળતા મેળવી હતી. આ સાથે ભારત પહેલીવાર નિશાનેબાજીની ઓલિમ્પિક સ્પર્ધામાં ચંદ્રક જીતવામાં સફળતા રહી હતી. ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય શૂટર જસપાલ રાણાના માર્ગદર્શનમાં મનુએ આ સિદ્ધિ મેળવી બતાવી હતી.