ત્રીજા લગ્ન બાદ એક ઓવરમાં 3 નો બોલ: શોએબ મલિક પર મેચ ફિક્સિંગનો આરોપ, BPLનો કોન્ટ્રાકટ રદ્દ
Image:Twitter
નવી દિલ્હી,તા. 26 જાન્યુઆરી 2024, શુક્રવાર
આજકાલ ચર્ચામાં જોવા મળી રહેલા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક માટે ‘જૈસી કરની-વૈસી ભરની’ કહેવત યથાર્ત સાબિત થાય છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિક સાનિયા મિર્ઝાથી છૂટ્ટા પડ્યા બાદ અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજી વખત લગ્ન કરવા બદલ ભારે ટીકા-ટિપ્પણીઓનો સામનો કરી રહ્યો છે હવે તે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) દરમિયાન એક ઓવરમાં ત્રણ નો બોલ ફેંકતા ચર્ચામાં આવ્યો છે.
T20 ક્રિકેટના ઈતિહાસમાં મલિક અગાઉ કોઈ સ્પિનરે એક ઓવરમાં ત્રણ નો બોલ નહોતા ફેંક્યા. આ ઘટના બાદ તેના પર મેચ ફિક્સિંગનો આરોપ લાગવા લાગ્યો છે અને હવે અહેવાલ છે કે મેચ ફિક્સિંગની આશંકાને કારણે મલિકનો BPL કોન્ટ્રાક્ટ પણ રદ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો ?
22 જાન્યુઆરીના રોજ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં ફોર્ચ્યુન બરીશાલ અને ખુલના ટાઈગર્સ વચ્ચેની મેચ દરમિયાન, બારીશાલના કેપ્ટન તમીમ ઈકબાલે મલિકને પાવરપ્લેમાં બોલિંગ કરવાની તક આપી હતી. આ દરમિયાન શોએબ મલિકે એક ઓવરમાં ત્રણ નો-બોલ ફેંક્યા હતા અને સંભવિત તેની આ ઓવર ખૂબ મોંઘી સાબિત થઈ હતી. શોએબ મલિકે પાવરપ્લેની આ એક જ ઓવરમાં કુલ 18 રન આપ્યા હતા.
રિપોર્ટ અનુસાર ફોર્ચ્યુન બરીશાલે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ખુલના ટાઈગર્સ સામેની પ્રથમ મેચ દરમિયાન એક ઓવરમાં ત્રણ નો-બોલ ફેંક્યા બાદ શોએબ મલિકનો કોન્ટ્રાકટ સમાપ્ત કરી દીધો છે. સોશિયલ મીડિયાના અહેવાલો અનુસર ફોર્ચ્યુન બરીશાલ ટીમના માલિક મિઝાનુર રહેમાને પણ આ વાતની પુષ્ટિ કરી છે. આશંકા સેવાઈ રહી છે કે મલિકે જાણી જોઈને આ નો બોલ ફેંક્યા હતા. આમ કથિત મેચ ફિક્સિંગના આરોપસર મલિકનો કોન્ટ્રાકટ સમાપ્ત કર્યાનો દાવો કરાઈ રહ્યો છે.
BPLની ફ્રેન્ચાઇઝી ફોર્ચ્યુન બરીશાલે ગુરૂવારે જાહેર કર્યું હતુ કે શોએબ મલિક BPLની વર્તમાન સિઝનમાં આગળ ભાગ લેશે નહીં. એક સત્તાવાર નિવેદનમાં ફોર્ચ્યુન બરીશાલે પુષ્ટિ કરી કે મલિક અંગત કારણોસર દુબઈ ગયા પછી બાકીની BPL મેચો નહિ રમે.
સાનિયાએ કર્યો આડકતરો પ્રહાર :
એક તરફ મલિકે સાનિયાનું જીવન આવી રીતે ઉજાડ્યું અને હવે BPLમાંથી તેનો કોન્ટ્રાકટ રદ્દ થવાના અહેવાલ બાદ સાનિયાએ એક દેશભક્તિની પોસ્ટ કરીને જાણે મલિકને ટોણો માર્યો હોય તેમ લખ્યું છે ‘હંમેશા દેશ તરફથી પ્રતિનિધિત્વ કરવું ગૌરવભર્યું હોય છે.’
સોશિયલ મીડિયા યુઝર્સ સાનિયાની આ પોસ્ટને મલિકના BPL કોન્ટ્રાકટ રદ્દ થવા સાથે જોડી રહી છે કે દેશ માટે રમવું અને દેશનું પ્રતિનિધિત્વ કરવું ગૌરવભર્યું હોય છે અને આ પ્રકારે મેચ ફિક્સિંગના કથિત આરોપોને કારણે ફ્રેન્ચાઈઝી દ્વારા કોન્ટ્રાકટ રદ્દ થવો દેશની આબરૂના ધજાગરા પણ છે.