48 વર્ષની ઉંમરે ત્રીજી વખત પિતા બન્યો દિગ્ગજ ફાસ્ટ બોલર, પત્નીએ દીકરીને આપ્યો જન્મ
શોએબ અખ્તરે વર્લ્ડકપ 2011 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું
Image:Twitter |
Shoaib Akhtar Become Father 3rd Time : પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર ત્રીજી વખત પિતા બન્યો છે. શોએબ અખ્તરની પત્ની રૂબાબ ખાને પુત્રીને જન્મ આપ્યો છે. બંને કપલે પોતાની દીકરીનું નામ નૂર અલી અખ્તર રાખ્યું છે. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે. તેણે ફોટો કેપ્શનમાં લખ્યું, “મિકાઈલ અને મુજાદ્દીદની હવે એક નાની બહેન છે. અલ્લાહે અમને દીકરીનો આશીર્વાદ આપ્યો છે. 1 માર્ચ 2024ના રોજ જન્મેલી નૂર અલી અખ્તરનું સ્વાગત છે.”
શોએબ અખ્તર કરતા લગભગ 18 વર્ષ નાની છે રૂબાબ ખાન
શોએબ અખ્તરની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે અને શોએબની પુત્રીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે શોએબ અખ્તર અને રૂબાબ ખાને વર્ષ 2014માં લગ્ન કર્યા હતા. રૂબાબ ખાન તેના પતિ શોએબ અખ્તર કરતા લગભગ 18 વર્ષ નાની છે. શોએબ અખ્તર અને રૂબાબ ખાન પહેલીવાર વર્ષ 2016માં માતા-પિતા બન્યા હતા, જ્યારે પુત્ર મિકાઈલનો જન્મ થયો હતો.
વર્લ્ડકપ 2011 બાદ કહ્યું ક્રિકેટને અલવિદા
શોએબ અખ્તર અને રૂબાબ ખાન આ પછી વર્ષ 2019માં બીજી વખત માતા-પિતા બન્યા હતા. ત્યારે રૂબાબ ખાને મુજાદ્દીદને જન્મ આપ્યો હતો. હવે બંને કપલ ત્રીજી વખત પેરેન્ટ્સ બન્યા છે. શોએબ અખ્તરને તેના સમયના ફાસ્ટેસ્ટ બોલરોમાંથી એક માનવામાં આવતો હતો. આ ફાસ્ટ બોલરે ODI વર્લ્ડકપ 2011 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.