44 વર્ષના ચંદરપોલની ટ્વેન્ટી-20માં ધમાલ: 76 બોલમાં 210 રન ફટકાર્યા

- વિન્ડિઝના દિગ્ગજ બેટ્સમેનના ૨૫ ચોગ્ગા અને ૧૩ છગ્ગા ફટકાર્યા

- સ્થાનિક કલબ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચંદરપોલની ઓલ સ્ટાર ટીમે ૩૦૩ રન ખડક્યા ઃ ૧૯૨ રનથી વિજય મેળવ્યો

Updated: Apr 5th, 2019


Google NewsGoogle News
44 વર્ષના ચંદરપોલની ટ્વેન્ટી-20માં ધમાલ: 76 બોલમાં 210 રન ફટકાર્યા 1 - image

સેંટ. માર્ટેન, તા.૫

વેસ્ટ ઈન્ડિઝના નિવૃત્ત થઇ ચૂકેલા ૪૪ વર્ષના  દિગ્ગજ બેટ્સમેન શિવનારાયણ ચંદરપોલે કલબ કક્ષાની ટ્વેન્ટી-૨૦ મેચમાં માત્ર ૭૬ બોલમાં ૨૧૦ રન ફટકારીને ખળભળાટ મચાવી દીધો હતો. વેસ્ટ ઈન્ડિઝમાં જ ચાલતી સ્થાનિક સ્તરની ટી-૨૦ મેચમાં ચંદરપોલે તેની ઝંઝાવાતી ઈનિંગ દરમિયાન ૨૫ ચોગ્ગા અને ૧૩ છગ્ગા ફટકાર્યા હતા. જેના સહારે વેસ્ટ ઈન્ડિઝ ઓલ સ્ટાર ટીમે ૩૦૩ રનનો સ્કોર ખડક્યો હતો. જવાબમાં અમેરિકાની મેડ ડોગ્સ ટીમ ૧૧૧ રનમાં ખખડી ગઈ હતી અને ઓલ સ્ટાર ટીમે ૧૯૨ રનથી વિજય મેળવ્યો હતો. 

ટી-૨૦માં હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર ૧૭૫ રનનો છે, જે ગેલના નામે છે અને તે રેકોર્ડ અડીખમ રહ્યો હતો. ચંદરપોલે એડમ સ્ટાન્ફોર્ડ ક્રિકેટ ફોર લાઈફ ટુર્નામેન્ટમાં આ સ્કોર કર્યો હતો અને તેને આઇસીસીની માન્યતા ન હોવાથી તેની ઈનિંગને રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું નથી. 

ચંદરપોલ અને ડ્વેન સ્મિથની જોડીએ ઈનિંગનો પ્રારંભ કરતાં સનસનાટી મચાવી હતી. ચંદરપોલે ૧૭૬ રન તો ચોગ્ગા અને છગ્ગાની મદદથી ફટકાર્યા હતા. જ્યારે તેનો સ્ટ્રાઈકરેટ ૨૭૬.૩૧નો રહ્યો હતો. ચંદરપોલની સામેના છેડે રમતાં ડ્વેન સ્મિથે ૨૯ બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૪ રન ફટકાર્યા હતા. 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ચંદરપોલે ૨૦૧૫માં નિવૃત્તિ લીધી હતી. તેની નિવૃત્તિને ત્રણ વર્ષથી વધુ સમય વિતી ગયો હોવા છતાં હજુ તે ડોમેસ્ટિક અને લોકલ ક્રિકેટમાં રમતો રહે છે. તે ઘણી મેચોમાં તેના પુત્ર તાગેનારાયણ સાથે પણ રમવા ઉતરી ચૂક્યો છે. 


Google NewsGoogle News