છગ્ગાવાળી તોફાની ઈનિંગ રમી શિવમ દુબેએ રસેલનો આ રેકોર્ડ તોડી નાખ્યો
Image:IANS |
SRH vs CSK : IPL 2024માં ગઈકાલે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 165 રન બનાવ્યા હતા. CSKના ઓલરાઉન્ડર શિવમ દુબેએ હૈદરાબાદ સામે સારી ઇનિંગ રમી હતી. જો કે તે આ મેચમાં ફિફ્ટી ફટકારવામાં ચૂકી ગયો હતો, પરંતુ તેણે તેની ઇનિંગ દરમિયાન ફટકારેલા 4 છગ્ગાની મદદથી આન્દ્રે રસેલનો રેકોર્ડ તોડ્યો હતો.
આન્દ્રે રસેલથી આગળ નીકળ્યો શિવમ દુબે
શિવમ દુબેએ હૈદરાબાદ સામે પોતાની ટીમ માટે સૌથી મજબૂત ઇનિંગ રમી હતી અને આ મેચમાં તે CSKનો સર્વશ્રેષ્ઠ સ્કોરર પણ હતો. આ મેચમાં તેણે 24 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 45 રનની ઇનિંગ રમી હતી અને પેટ કમિન્સના બોલ પર ભુવનેશ્વર કુમારના હાથે કેચ આઉટ થયો હતો. આ ઇનિંગમાં તેનો સ્ટ્રાઇક રેટ 187.50 હતો અને તેની ઇનિંગમાં 4 છગ્ગા ફટકાર્યા બાદ તે આન્દ્રે રસેલથી આગળ નીકળી ગયો હતો.
શિવમ દુબે પહેલા નંબરે પહોંચ્યો
IPL 2022થી લઈને અત્યાર સુધી સૌથી વધુ છગ્ગા મારનાર બેટરોની યાદીમાં શિવાબ દુબે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે અને તેણે આન્દ્રે રસેલને બીજા સ્થાને ધકેલી દીધો છે. શિવમ દુબેએ IPL 2022થી આ લીગમાં કુલ 61 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે આન્દ્રે રસેલના નામે 60 છગ્ગા છે. આ યાદીમાં નિકોલસ પૂરન 59 છગ્ગા સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે લિયામ લિવિંગસ્ટોન અને જોસ બટલરના નામે 59-59 છગ્ગા છે. સંજુ સેમસન 56 છગ્ગા સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે.
IPL 2022થી અત્યાર સુધી સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર
61 – શિવમ દુબે
60 – આન્દ્રે રસેલ
59 – નિકોલસ પૂરન
59 – લિયામ લિવિંગસ્ટોન
59 – જોસ બટલર
56 – સંજુ સેમસન
51 – શુભમન ગિલ
50 – ફાફ ડુ પ્લેસિસ
48 – તિલક વર્મા
47 – ગ્લેન મેક્સવેલ