શુભમન ગિલની ઈર્ષા કરતો હતો શિખર ધવન, ખુદ કબૂલાત કરીને જણાવ્યું ચોંકાવનારું કારણ
Shikhar Dhawan Was Jealous Of Shubman Gill: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને ઓપનર શિખર ધવને 24 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે નિવૃત્તિ બાદ ધવને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં ધવને કહ્યું હતું કે, હું હાલના ભારત ટીમના વાઇસ કેપ્ટન શુભમન ગિલની ખૂબ જ ઈર્ષા કરતો હતો. તેના આ ખુલાસાએ બધાને ચોકાવી દીધા હતા. તેની પાછળ ધવને એક મોટું કારણ પણ જણાવ્યું હતું.
શિખર ધવનનો ભારતીય ટીમમાં દબદબો હતો. તેણે રોહિત શર્મા સાથે મળીને ટીમને અનેક મેચોમાં જીત અપાવી હતી. ખાસ કરીને આઈસીસી ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. પરંતુ વર્ષ 2019માં શુભમન ગિલનો ટીમમાં સમાવેશ થવાથી તેનું ટીમમાં મહત્ત્વ ઓછું થવા માંડ્યું હતું. ગિલ પહેલા વનડે ટીમમાં સામેલ થયો અને ત્યારબાદ 2020માં ટેસ્ટની ટીમમાં રેગ્યુલર ખેલાડી તરીકે સામેલ થઇ ગયો હતો. તે દરમિયાન તેના શાનદાર દેખાવને કારણે તેને કોહલીનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો.
આ પણ વાંચો: જબરદસ્ત બોલિંગ! T20 મેચની ચાર ઓવરમાં એકપણ રન ન આપ્યો, કોણ છે આયુષ શુક્લા
એ જ સમયમાં ધવન ધીમે-ધીમે ટીમની બહાર રહેવા લાગ્યો હતો. તે હવે પહેલા જેવું પ્રદર્શન કરી શકતો ન હતો. ધવને આ સ્થિતિને લઈને જણાવ્યું હતું કે, 'હું ગિલની ઈર્ષા કરતો હતો, કારણ કે તે પહેલાથી જ 2 ફોર્મેટમાં જગ્યા બનાવી ચૂક્યો હતો અને ઘણી સદીઓ ફટકારી રહ્યો હતો. જ્યારે હું એક જ ફોર્મેટમાં રમી રહ્યો હતો અને અડધી સદીમાં કરવામાં પણ અટકી જતો હતો.' જો કે બાદમાં ધવને ગિલના પ્રદર્શનને સ્વીકાર્યું અને તેને તક આપવાની હિમાયત કરી હતી. ધવનનો આ ઈમાનદાર જવાબ સાંભળીને ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે.
શિખર ધવને ભલે નિવૃત્તિ લઇ લીધી હોય પરંતુ હજુ પણ તે ક્રિકેટ રમતા જોવા મળશે. લિજેન્ડ્સ લીગ ક્રિકેટની ત્રીજી સીઝન 20 સપ્ટેમ્બરથી શરુ થવાની છે. જેમાં 6 ટીમો ભાગ લેશે. નિવૃત્ત ક્રિકેટરોની આ લીગમાં ધવન ગુજરાતની ટીમ સાથે જોડાયો છે. આ લીગમાં તે ક્રિસ ગેલ સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે.