નિવૃતિ ભલે લીધી પરંતુ અહીં રમતો દેખાશે ગબ્બર, સંન્યાસ લીધા બાદ બે જ દિવસમાં કરી જાહેરાત
Shikhar Dhawan: લગભગ દોઢ દાયકા સુધી ભારતીય ક્રિકેટમાં પોતાની ધાક બતાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના ગબ્બર એટલે કે શિખર ધવને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ભૂતપૂર્વ ભારતીય ઓપનર નિવૃત્તિ લીધા બાદ હવે અન્ય લીગ ક્રિકેટમાં રમશે. સોમવારે શીખર લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) માં જોડાયો હતો. આ 38 વર્ષીય ખેલાડીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિવાયની T20 લીગમાં રમશે.
વર્ષ 2010માં આ શાનદાર બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 2013માં ટેસ્ટ ડેબ્યૂ કરતી વખતે તેણે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 187 રનની ઇનિંગ રમીને રેકોર્ડ બનાવ્યો હતો. ધવને 34 ટેસ્ટ, 167 ODI અને 68 T20માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 12,286 રન બનાવ્યા હતા. સપ્ટેમ્બરમાં ધવન લિજેન્ડ્સ લીગ ક્રિકેટ સ્પર્ધા રમાશે. વર્ષ 2022 માં, શિખર ધવને ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
ધવને નિવૃતિ બાદ એક નિવેદનમાં કહ્યું, "હું હજુ પણ રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ છું." જોકે હું મારા નિર્ણયથી સંતુષ્ટ છું, પરંતુ ક્રિકેટ મારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે અને રહેશે. હું મારા ક્રિકેટ મિત્રો સાથે ફરી જોડાવા અને ક્રિકેટ ફેન્સનું મનોરંજન કરવા આતુર છું. અમે સાથે મળીને નવી યાદો બનાવીશું”
શિખર ધવને 2020માં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની એક જ સીઝનમાં સતત બે મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં આવું કરનાર તે પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ પહેલા સતત બે મેચમાં સદી ફટકારવાનું કારનામું કોઈ કરી શક્યું નથી. આટલું જ નહીં IPLમાં સૌથી વધુ ચોગ્ગા મારવાનો રેકોર્ડ હજુ પણ ધવનના નામે છે.