પહેલી જ મેચમાં 33 ચોગ્ગા, 2 છગ્ગા! ગબ્બરનો આ ગજબ રેકોર્ડ 11 વર્ષથી કોઈ તોડી નથી શક્યું
Shikhar Dhawan: ભારતીય ક્રિકેટ ટીમના ડાબોડી ઓપનર રહી ચૂકેલ ધૂરંધર ક્રિકેટર શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે. શિખર ધવન મોટી ટુર્નામેન્ટના ખેલાડી તરીકે જાણીતો હતો. શિખર ધવને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરતાં જ સૌથી ઝડપી સદી ફટકારી દીધી હતી. આવી તો અનેક ઈનિંગ્સ ક્રિકેટ ચાહકોને યાદ હશે. ગબ્બર તરીકે જાણીતા ક્રિકેટરની અનેક ઈનીગ ભારતને ખરા સમયે જીત મેળવવામાં કામ લાગી છે.
શિખર ધવને એક વીડિયો જાહેર કરીને હસતાં મોઢે ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે, 'ભારત માટે રમવું એ જ મારી મંઝિલ હતી. હું મારા પરિવાર, કોચ, મારી ટીમના ખેલાડીઓ અને ચાહકોનો નો આભાર માનું છું. પણ કહાનીમાં આગળ વધવા માટે પાનાં પલટાવવા જરૂરી હોય છે. માટે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં નિવૃતિ જાહેર કરું છું.'
38 વર્ષીય ઓપનર શિખર ધવને ભારતીય ક્રિકેટ ટીમ માટે સૌથી પહેલી મેચ 20 ઓકટોબર 2010ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જ્યાં તે શૂન્ય પર આઉટ થયો હતો. ત્યાર બાદ 2011માં પોર્ટ ઑફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સુરેશ રૈનાની કેપ્ટન્સીમાં T20 ડેબ્યૂ કર્યું હતું.
શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટ ડેબ્યૂ કર્યું હતું જ્યાં તેણે એક એવો રેકોર્ડ બનાવી દીધો હતો જે તોડવો કોઈપણ ડેબ્યુટન્ટ માટે ખૂબ મુશ્કેલ કહી શકાય. 2013માં રમાયેલી આ ટેસ્ટ મેચમાં શિખર ધવને 174 બોલમાં 187 રન બનાવ્યા હતા. જેમાં 33 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચોઃ શિખર ધવને નિવૃતિ કેમ લઈ લીધી? ક્રિકેટમાં ફેવરિટ ક્ષણ કઈ હતી? આપ્યા તમામ સવાલોના જવાબ
આ ઇનિંગ સાથે ધવન ભારત માટે ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. એટલું જ નહીં ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ પણ તેણે બનાવ્યો હતો. ધવન વનડેમાં પણ સતત સારું પ્રદર્શન કરનાર ખેલાડી રહ્યો છે. તેણે આ ફોરમેટમાં 40થી વધારે એવરેજ સાથે 90થી વધારેના સ્ટ્રાઈક રેટ સાથે 5000થી વધારે રન બનાવ્યા હતા. આવા માત્ર 8 જ ખેલાડીઓ છે જેમાંથી એક ધવન છે. આ સિવાય રોહિત અને કોહલી પણ આ યાદીમાં સામેલ અન્ય ભારતીય ક્રિકેટર્સ છે.