...એ દિવસે તૂટેલા અંગુઠા સાથે ઑસ્ટ્રેલિયનો પર તૂટી પડ્યો હતો ધવન, ફટકારી કારકિર્દીની સૌથી યાદગાર સદી
Shikhar Dhawan Retirement: શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે ઘણી વખત પાવર પેક્ડ પરફોર્મન્સ આપ્યું છે. ICC ટુર્નામેન્ટમાં તો તે ભારત માટે ઘણી બધી વખત તારણહાર બનીને મેદાનમાં ઉતર્યો છે. પરંતુ એક એવી ઇનિંગ છે જે ભારતીય ક્રિકેટ ફેન્સ અને શિખર ધવન પોતે પણ કાયમ માટે યાદ રાખશે.
2019 માં વર્લ્ડકપ દરમિયાન આ ઘટના બની હતી. લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતની બીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે હતી જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. 50 ઓવરના અંતે ભારતે 5 વિકેટ ગુમાવીને 352 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. જેમાં શિખર ધવને 109 બોલમાં 117 રન ફટકારી દીધા હતા.
કોઈપણ ક્રિકેટર માટે ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે સદી ફટકારવી એ ખાસ ઘટના જ હોય છે. પરંતુ ધવનની આ સદી કઇંક વધારે જ ખાસ છે. કારણ કે ધવનને આ મેચમાં અંગૂઠામાં ગંભીર ઇજા થઈ હતી.
આ પણ વાંચો: શિખર ધવને નિવૃતિ કેમ લઈ લીધી, ક્રિકેટમાં ફેવરિટ ક્ષણ કઈ હતી? આપ્યા તમામ સવાલોના જવાબ
પેટ કમિન્સની બોલિંગમાં ધવને એક બોલને પુલ શૉટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન ધવનને અંગૂઠા પર બોલ વાગ્યો હતો અને ઇજા થઈ હતી. ધવને ત્યાર પછી પણ રમવાનું ચાલુ રાખ્યું હતું. પોતાની ઇનિંગ દરમિયાન તેણે અનેક વખત ફિઝિયોને મેદાન પર બોલાવ્યા હતા. પેન કીલર સહિત ટ્રીટમેન્ટ લઈને તેણે આ શાનદાર સદીની ઇનિંગ રમી હતી. તેણે 16 ચોગ્ગા ફટકાર્યા હતા અને ભારતને એક મજબૂત સ્કોર સુધી પહોંચાડી દીધું હતું. જો કે ઇજાના કારણે તે પાછળથી વર્લ્ડકપમાં રમી શક્યો નહોતો.
ધવને આ પ્રસંગ અંગે કહ્યું હતું કે, 'કેટલીક ઇનિંગ મારી ફેવરિટ છે અને દિલની નજીક છે. 2019 વર્લ્ડકપની ઇનિંગ આમાંથી જ એક છે. ઓસ્ટ્રેલિયા સામે હું 25ના સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો. એક 150ની ઝડપી આવેલો બોલ મારા અંગૂઠા પર વાગ્યો અને મારો અંગુઠો તૂટી ગયો. હું પેન કીલર લઈને બેટિંગ કરતો રહ્યો અને મેં 117 રન બનાવ્યા હતા.' ધવનને આ સિવાય 2015 વર્લ્ડકપમાં તેણે ફટકારેલી પહેલી વર્લ્ડકપ સદી પણ ખાસ લાગે છે. જેમાં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધવને દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી હતી.
ધવને કહ્યું હતું કે, 'હું ધોનીનો ખાસ આભારી છું કે હું રન નહોતો બનાવી શક્યો ત્યારે તેણે મને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું અને હું સમયે સમયે સારો દેખાવ કરી શક્યો હતો.'