સ્ટાર ઓલરાઉન્ડરે કરી કમાલ, રણજી ટ્રોફી સેમિફાઈનલમાં સદી ફટકારી, હાર્દિક પંડ્યા ટેન્શનમાં મૂકાશે!
સ્ટમ્પ સુધી મુંબઈએ 9 વિકેટ ગુમાવીને 353 રન બનાવ્યા હતા
Image:Social Media |
Shardul Thakur Hits Century In Ranji Trophy : ગયા વર્ષે ODI વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર શાર્દુલ ઠાકુરે ફરી એકવાર પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. IPL પહેલા અને T20 વર્લ્ડકપની નજીક શાર્દુલે રણજી ટ્રોફી સેમિફાઇનલમાં શાનદાર સદી ફટકારી હતી. હાર્દિક પંડ્યા અને શિવમ દુબેના નામની ચર્ચા વચ્ચે શાર્દુલની આ ઇનિંગ તેના આંતરરાષ્ટ્રીય કરિયર માટે ઓક્સિજનનું કામ કરશે. શાર્દુલ ઠાકુરે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં 105 બોલમાં 109 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેણે 13 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા.
ઠાકુરે 109 રનની ઇનિંગ રમીને ટીમને બચાવી
રણજી ટ્રોફી સેમિફાઈનલના તમિલનાડુને 146 રનમાં ઓલઆઉટ કર્યા બાદ મુંબઈનો સ્કોર પણ એક સમયે 7 વિકેટે 106 રન સુધી પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરનાર શાર્દુલ ઠાકુરે 109 રનની ઇનિંગ રમીને ટીમને બચાવી લીધી હતી. તેને તનુષ કોટિયનનો સાથ મળ્યો હતો, જે બીજા દિવસે સ્ટમ્પ સુધી 74* રન બનાવ્યા બાદ ક્રિઝ પર હતો. તનુષને નંબર-11 બેટ્સમેન તુષાર દેશપાંડે (17*)નો પણ સપોર્ટ મળ્યો હતો. બંનેએ 10મી વિકેટ માટે અણનમ 63* રન જોડ્યા છે. આ પહેલા તમિલનાડુના કેપ્ટન આર સાઈ કિશોરે 6 વિકેટ લઈને મુંબઈને બેકફૂટ પર ધકેલી દીધું હતું. સ્ટમ્પ સુધી મુંબઈએ 9 વિકેટ ગુમાવીને 353 રન બનાવ્યા હતા અને પ્રથમ ઇનિંગના આધારે તેને 207* રનની લીડ મળી હતી.
ભારતીય ટીમમાં સામેલ થવા માટે બેતાબ છે ઠાકુર
શાર્દુલ ઠાકુરે છેલ્લે વર્ષ 2022માં ભારત માટે T20I મેચ રમી હતી. તેને ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બેટિંગ કરવાની તક મળી ન હતી, પરંતુ તેણે બોલિંગમાં 2 વિકેટ ઝડપી હતી. ત્યારથી તે ભારતીય T20 ટીમ સાથે જોડાવા માટે બેતાબ છે. બોલ અને બેટથી તે કેટલો અસરકારક છે તે કહેવાની જરૂર નથી. ભારત માટે તેણે 11 ટેસ્ટ, 47 ODI અને 25 T20Iમાં અનુક્રમે 31, 65 અને 33 વિકેટ લીધી છે, જ્યારે તેણે ટેસ્ટમાં 4 અને ODIમાં એક ફિફ્ટી ફટકારી છે.