શમીની 50 વિકેટથી લઈને કોહલીની 50મી વનડે સદી સુધી, આ વર્ષે ક્રિકેટમાં બન્યા ઘણાં મોટા રેકોર્ડ્સ
ODI World Cup 2023ની સેમિફાઈનલ મેચમાં વિરાટે સદી ફટકારી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
મેક્સવેલ રન ચેઝ કરતી વખતે ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો
Year Ender 2023 : વર્ષ 2023 ક્રિકેટ જગત માટે ખુબ ખાસ રહ્યું. આ વર્ષે ક્રિકેટ જગતના દિગ્ગજ બોલર્સ અને બેટ્સમેનો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી. આ વર્ષે ઘણાં ખેલાડીઓએ મોટા રેકોર્ડ્સ તોડ્યા તો કેટલાંક ખેલાડીઓને નવા રેકોર્ડ્સ બનાવ્યા. અહિયાં એવા જ 5 રેકોર્ડ વિશે વાત કરવામાં આવી છે જે ક્રિકેટ જગત વર્ષો સુધી યાદ રાખશે.
વિરાટે તોડ્યો સચિનનો રેકોર્ડ
વર્તમાન યુગના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલી માટે આ આખું વર્ષ સપનાથી ઓછું નથી રહ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિરાટે પોતાના બેટથી અનેક નાના-મોટા રેકોર્ડ તોડ્યા છે. પરંતુ ODI World Cup 2023ની સેમિફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે વિસ્ફોટક સદી ફટકારીને વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં પોતાની પચાસમી સદી ફટકારી હતી. આ સાથે તેણે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના 49 સદીના રેકોર્ડને પણ તોડ્યો હતો.
મેક્સવેલે 201 રનની અણનમ ઇનિંગ રમી રચ્યો ઈતિહાસ
ભારતની યજમાનીમાં યોજાયેલ ODI World Cup 2023 ઓસ્ટ્રેલિયન ટીમની સાથે સાથે ગ્લેન મેકસવેલ માટે પણ ખુબ શાનદાર રહ્યું હતું. અફઘાનિસ્તાન સામે ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજની મેચ દરમિયાન મેક્સવેલે એક અવિસ્મરણીય ઇનિંગ રમી હતી. મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઇજા સામે ઝઝૂમી રહેલા ગ્લેન મેક્સવેલે વાનખેડેના મેદાન પર માત્ર 128 બોલમાં 201 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે મેક્સવેલ રન ચેઝ કરતી વખતે ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.
રોહિત શર્માએ ક્રિસ ગેલને પાછળ છોડ્યો
ભારતીય ટીમ ભલે ODI World Cup 2023નો ખિતાબ જીતી ન શકી, પરંતુ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગે ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા. આ દરમિયાન રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી પણ બન્યો હતો. વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે ત્રણ છગ્ગા ફટકારીને રોહિતે ક્રિસ ગેલના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 553 છગ્ગાના રેકોર્ડને તોડ્યો હતો. આ ઉપરાંત તે ODI World Cupમાં 31 છગ્ગા સાથે સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી પણ બન્યો હતો.
15 વર્ષ બાદ યુવરાજ સિંહનો રેકોર્ડ તૂટ્યો
છેલ્લા 15 વર્ષથી T20Iમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે. યુવરાજે T20 World Cup 2007માં ઇંગ્લેન્ડ સામે માત્ર 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. પરંતુ આ વર્ષે એશિયન ગેમ્સમાં નેપાળના દીપેન્દ્ર સિંહ એરીએ માત્ર 9 બોલમાં 8 છગ્ગાની મદદથી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. આ દરમિયાન તેણે 10 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી.
મોહમ્મદ શમી સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બન્યો
ODI World Cup 2023માં ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનમાં ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. મોહમ્મદ શમી માત્ર 7 મેચમાં 24 વિકેટ લઈને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. આ દરમિયાન શમી ODI World Cupમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર પણ બન્યો હતો. શમીએ માત્ર 17 ઇનિંગ્સમાં મિચેલ સ્ટાર્કને પાછળ છોડીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. સ્ટાર્કે 19 ઇનિંગ્સમાં 50 વિકેટ લીધી હતી.