બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડરને હવે ધરપકડનો ડર, ભારતમાં શરણ લે તેવી શક્યતા
Shakib Al Hasan: બાંગ્લાદેશની ટીમ હાલ ભારતના પ્રવાસે છે. અહીં બંને ટીમ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. બીજી ટેસ્ટ કાનપુરમાં યોજાઈ હતી, જેમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી. આ સાથે બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટર શાકિબ અલ હસનની ટેસ્ટ કારકિર્દીનો પણ અંત આવી ગયો છે. તેણે બીજી ટેસ્ટ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી.
શાકિબે ટી-20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી
શાકિબે ટી-20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી. આ સાથે જ તેણે એવું પણ કહ્યું હતું કે, 'મને મારા દેશ બાંગ્લાદેશમાં સાઉથ આફ્રિકા સામે મારા કરિયરની છેલ્લી મેચ રમવાની ઈચ્છા હતી, પણ હજુ સુધી મને નથી લાગતું કે ત્યાં સુરક્ષા છે.' આવી સ્થિતિમાં કાનપુર ટેસ્ટ શાકિબની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ બની શકે છે.
શાકિબ શેખ હસીનાની અવામી લીગ સાથે જોડાયેલો હતો
તાજેતરમાં બાંગ્લાદેશમાં બળવો થયો છે. તે દરમિયાન વિરોધને કારણે વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારત આવી ગયા હતા. શાકિબ શેખ હસીનાની આગેવાની હેઠળની અવામી લીગ સાથે પણ જોડાયેલો છે. આ પાર્ટીમાંથી તે સાંસદ પણ બન્યો હતો. બાંગ્લાદેશમાં આ પાર્ટી સામે જબરદસ્ત ગુસ્સો છે.
શાકિબ અલ હસન અમેરિકામાં સ્થાયી થઈ શકે છે
શાકિબ વિરુદ્ધ હત્યાનો આરોપ દાખલ કરવામાં આવ્યો છે. આથી તે પોતાની સુરક્ષાને લઈને પણ ચિંતિત છે અને બાંગ્લાદેશમાં પોતાની ધરપકડ થવાનો ડર છે. આથી તે બાંગ્લાદેશ પરત નહીં ફરવાનું વિચારી રહ્યો છે. એક અહેવાલ એવા પણ છે કે શાકિબ થોડા દિવસ ભારતમાં રહીને પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થઈ શકે છે.
સત્તાપલટી એ દરમિયાન જ શાકિબ વિરુદ્ધ રૂબેલ નામક એક ટેક્સટાઈલ વર્કરની હત્યાનો આરોપ છે. મૃતક રૂબેલના પિતા રફીકુલ ઈસ્લામે ઢાકાના એડબોર પોલીસ સ્ટેશનમાં શાકિબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
આ હત્યાના કેસમાં શાકિબ ઉપરાંત અન્ય આરોપીઓમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના, ઓબેદુલ કાદર અને અન્ય 154 લોકોનો પણ સમાવેશ થાય છે. લગભગ 400-500 અજાણ્યા લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. 5 ઓગસ્ટના રોજ, રૂબેલે એડબરમાં રિંગ રોડ પર વિરોધ કૂચમાં ભાગ લીધો હોવાના અહેવાલ છે. રેલી દરમિયાન, કથિત રીતે સુયોજિત ગુનાહિત કાવતરાના ભાગરૂપે કોઈએ ભીડ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન રૂબેલનું મોત થયું હતું.
શાકિબને બોર્ડ તરફથી સુરક્ષાની ગેરંટી મળી નથી
શાકિબે કાનપુર ટેસ્ટ પહેલા પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, 'મને ઘરઆંગણે રમવામાં કોઈ તકલીફ નથી. પરંતુ સંજોગો પ્રમાણે સુરક્ષાની જરૂર પડશે.' આથી ક્રિકેટરને અમેરિકામાં સ્થાયી થવું સુરક્ષિત લાગે છે.
શાકિબની સુરક્ષાની માંગ પર બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઈઝર આસિફ મહમૂદે કહ્યું હતું કે, 'શાકિબની બે ઓળખ છે. એક તો ક્રિકેટર અને બીજી રાજકારણી તરીકે છે. ક્રિકેટર શાકિબને ભલે પૂરતી સુરક્ષા આપવામાં આવે પરંતુ લોકોને તેની રાજકીય ઓળખને લઈને સમસ્યા છે. જો લોકો તેમનાથી નારાજ છે તો સુરક્ષાની વાત કરવી મુશ્કેલ છે.'
આવો છે શાકિબનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
37 વર્ષીય શાકિબે બાંગ્લાદેશ માટે અત્યાર સુધી 71 ટેસ્ટ રમી છે અને 4609 રન બનાવ્યા છે. તેણે બોલિંગમાં 246 વિકેટ લીધી હતી. તે બાંગ્લાદેશના સૌથી સફળ ક્રિકેટરોમાંનો એક રહ્યો છે. શાકિબે 247 ODI અને 129 T20 મેચ રમી છે. એના નામે ODIમાં 7570 રન અને 317 વિકેટ છે.
શાકિબે T20 ઈન્ટરનેશનલમાં 2551 રન બનાવ્યા છે અને તેણે 149 વિકેટ પણ લીધી છે. ક્રિકેટરને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નો પણ અનુભવ છે. તેણે IPLમાં 71 મેચ રમી જેમાં તેણે 793 રન બનાવ્યા અને 63 વિકેટ પણ લીધી.