બાંગ્લાદેશી ક્રિકેટરને હત્યાના કેસમાં મળી રાહત, પરંતુ બેટર સામે બોલ ફેંકવા બદલ થઈ સજા!
Shakib Al Hasan punished by ICC: બાંગ્લાદેશી ક્રિકેટર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન ક્રિકેટના મેદાનમાં વિવાદોમાં રહેવા માટે જાણીતો છે. હવે નવા વિવાદના કારણે તેને ICC દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. પાકિસ્તાન સામેની પ્રથમ રાવલપિંડી ટેસ્ટ દરમિયાન બેટ્સમેન રિઝવાન તરફથી જોરથી બોલ ફેંકવા બદલ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબને ICCએ એક ડિ મેરિટ પોઈન્ટ આપવાની સાથે મેચ ફીની 10 ટકા રકમનો દંડ ફટકાર્યો હતો.
શું હતી ઘટના?
મૂળ ઘટનામાં પાકિસ્તાનની બીજી ઈનિંગની 30મી ઓવરમાં શાકિબ બોલ નાંખવાની તૈયારીમાં હતો, ત્યારે પાકિસ્તાની વિકેટકીપર બેટર રિઝવાન છેલ્લી ઘડીએ ક્રિઝ પરથી ખસી ગયો હતો અને વિકેટકિપર લિટન દાસ સાથે વાતો કરવા લાગ્યો હતો. રિઝવાન બોલર તરફ ફર્યો ત્યારે અકળાયેલા શાકિબે બોલ જોરથી એવી રીતે દાસ તરફ ફેંક્યો કે તે રિઝવાનના માથા ઉપરથી પસાર થયો. એક પળ માટે તો જોનારને એવું લાગી જાય કે તેણે મારવાના ઇરાદે જાણે બોલ ફેંક્યો હોય! આ ઘટનાની અમ્પાયરે પણ નોંધ લીધી હતી.
શાકિબ અલ હસની આ હરકત બાદ અમ્પાયર રિચર્ડ કેટલબરોએ તેને કડક ચેતવણી આપી હતી. અમ્પાયરે કહ્યું હતું કે, મેદાન પર આ રીતનું વર્તન ચલાવી લેવામાં આવશે નહીં. આ દરમિયાન અમ્પાયરની ચેતવણી પછી શાકિબ અલ હસને હાથ બતાવીને ભૂલ સ્વીકારી હતી. શાકીબે વાતચીત કર્યા બાદ રમત આગળ વધારવામાં આવી હતી પરંતુ હવે આ પ્રકારના પગલાં બદલ શાકિબને દંડ ફટકારવામાં આવ્યો છે.
પાકિસ્તાન-બાંગ્લાદેશને પણ દંડ
રાવલપિંડી ટેસ્ટમાં સ્લો ઓવર રેટ હું બદલ પાકિસ્તાન અને બાંગ્લાદેશને અનુક્રમે છ અને ત્રણ પોઈન્ટનો ફટકો પડ્યો હતો. આઈસીસીએ તેમના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ કાપી લીધા હતા. જેના કારણે પાકિસ્તાન તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં છેક આઠમા ક્રમે ફેંકાઈ ગયું છે. હવે તેની ફાઇનલ રમવાની શક્યતાઓ નહિવત છે.
આ પણ વાંચો: ભારતના ધુરંધર બેટરની બોલિંગ જુઓ! સુનિલ નારાયણની જેમ છેક સુધી છુપાવી રાખ્યો બોલ, ગંભીરને ખાસ ગમશે
શાકિબ વિરુદ્ધ હત્યાના કેસમાં ફરિયાદ
બીજી તરફ બાંગ્લાદેશમાં હત્યાના કેસમાં શાકિબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં પણ તે ફસાયો છે. જો કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા તે કસૂરવાર પુરવાર ન થાય ત્યાં સુધી તેને રમવા દેવામાં આવશે. શાકિબ સિવાય બીજા 146 લોકોના નામ આ ફરિયાદમાં સામેલ છે. જો કે BCB દ્વારા કહેવામાં આવ્યું હતું કે હજુ પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને ગુનો પુરવાર નથી થયો. માટે અમે ક્રિકેટરને નેશનલ ટીમમાંથી રમવા દઇશું અને જરૂર પડે તો કાયદાકીય મદદ પણ કરીશું.