ગંભીર સાથે હંમેશા ઝઘડતા આ પાકિસ્તાની ક્રિકેટરે કોચ બનવા પર, કહ્યું, ‘જોઈએ હવે કઈ રીતે....’
Image:Twitter
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ભૂતપૂર્વ દિગ્ગજ ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલા ગૌતમ ગંભીર હવે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની ભૂમિકામાં જોવા મળશે. ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ ઘણા પૂર્વ ક્રિકેટરો BCCIના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન શા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ ગંભીરના હેડ કોચ બનવા પર પ્રતિક્રિયા આપી છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીએ કહ્યું કે, "મારા મતે, આ એક મોટી તક છે. હવે ગૌતમ ગંભીર પર નિર્ભર કરે છે કે તે કેવી રીતે તકનો લાભ ઉઠાવે છે.”
ભલે શાહિદ આફ્રિદી અને ગૌતમ ગંભીર અત્યારે એકબીજા વિશે સારી વાત કરે છે, પરંતુ ક્રિકેટના મેદાન પર તેમની વચ્ચે ઘણી તકરાર જોવા મળતી હતી. 2007માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ODI મેચમાં ગંભીર સિંગલ લેવા દોડી રહ્યો હતો ત્યારે આફ્રિદી તેના રસ્તામાં આવ્યો હતો. આ પછી બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ.
આ મામલો એટલો વધી ગયો કે મેદાન પર હાજર અમ્પાયરોએ બંનેને અલગ કરવા પડ્યા. ત્યારબાદ 2009માં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. 2009માં એક ODI મેચમાં ગંભીર અને આફ્રિદી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે પણ ભારત-પાક મેચ હોય ત્યારે આ બંને ખેલાડીઓ વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી.