Pak vs Ban: બાંગ્લાદેશ પ્રથમ ટેસ્ટમાં પરાજય બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમમાંથી શાહીન આફ્રિદીની બાદબાકી!
Shaheen Afridi: પાકિસ્તાન ઘરઆંગણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ હાર્યું ત્યારથી ક્રિકેટ જગતમાં તેનો ફજેતો થઈ ગયો છે. બે દાયકા બાદ પહેલી વખત પાકિસ્તાની ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ હારી હતી અને એ પણ અતિ આત્મવિશ્વાસમાં ઇનિંગ ડિકલેર કર્યા બાદ 10 વિકેટે હારી ગઈ હતી. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુરુવારે બાંગ્લાદેશ સામે રમાનારી બીજી ટેસ્ટ મેચ માટે તેની 12 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેમાં સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને સ્થાન મળ્યું નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ શુક્રવાર (30 ઓગસ્ટ)થી રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. શાહીન આફ્રિદી પ્રથમ ટેસ્ટ મેચમાં પેસ એટેકનો લીડર હતો. હવે બીજી ટેસ્ટ મેચની ટીમમાં ફાસ્ટ બોલર મીર હમઝા અને અબરાર અહેમદ પાકિસ્તાનની ટીમમાં પરત ફર્યા છે, જેમને શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં તક મળી ન હતી. બે મેચની શ્રેણીમાં યજમાન પાકિસ્તાનની ટીમ 0-1થી પાછળ છે.
પાકિસ્તાનને પ્રથમ ટેસ્ટમાં આ ભૂલ ભારે પડી
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે નઝમુલ હુસૈન શાંતોની કપ્તાની હેઠળ પ્રથમ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને પ્રથમ ટેસ્ટ મેચમાં સ્પેશ્યાલિસ્ટ સ્પિનરને રમાડ્યો ન હતો, જેના કારણે તેને પરિણામ ભોગવવા પડ્યા હતા. પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામે પ્રથમ વખત ટેસ્ટ મેચમાં હારી છે. આ અગાઉ T20 વર્લ્ડ કપમાં અમેરિકા સામેની અણધારી હાર બાદ આ વર્ષે પાકિસ્તાનની આ બીજી ચોંકાવનારી હાર હતી. પાકિસ્તાનની ટીમમાં લેગ સ્પિનર અબરાર અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ બાંગ્લાદેશના સ્પિનરો શાકિબ અલ હસન અને મેહદી હસન મિરાજે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાનની ટીમમાં આંતરિક વિખવાદ હોવાનું પણ બહાર આવ્યું હતું.
બીજી ટેસ્ટ મેચ માટે 12 સભ્યોની ટીમ જાહેર
ઘરઆંગણે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ પાકિસ્તાનના ટીમ મેનેજમેન્ટ પર માછલાં ધોવાયા હતા. હવે બીજી ટેસ્ટમાં 12 સભ્યોની ટીમમાં અબરારની પસંદગી કરવામાં આવી છે, જેણે 6 ટેસ્ટ મેચમાં 38 વિકેટ લીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર બીજી ટેસ્ટ મેચ માટે 12 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. શાહીન આફ્રિદીને પ્રથમ ટેસ્ટ મેચ બાદ ટીમમાંથી રિલીઝ આવ્યો હતો. આફ્રિદી તેના પુત્રના જન્મ બાદ રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ બાદ ઘરે પરત ફર્યો હતો. તેને બીજી ટેસ્ટ માટે ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો નથી તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
પાકિસ્તાન ક્રિકેટ ટીમઃ શાન મસૂદ (કેપ્ટન), સઈદ શકીલ (વાઈસ-કેપ્ટન), અબરાર અહેમદ, અબ્દુલ્લા શફીક, બાબર આઝમ, ખુર્રમ શહઝાદ, મીર હમઝા, મોહમ્મદ અલી, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), નસીમ શાહ, સામ અયુબ અને સલમાન અલી આગા .