સેહવાગની સોશિયલ મીડિયા પર ટીખળ, ફોટો પોસ્ટ કરી ઈંગ્લેન્ડના બેઝબોલ ક્રિકેટની મજાક ઉડાવી
ભારતે ચોથી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતે 3-1ની અજેય લીડ મેળવી લીધી છે
Image:Instagram |
Virender Sehwag Made Fun Of England : રાંચીમાં રમાયેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવી ભારતીય ટીમે સીરિઝ 3-1થી જીતી લીધી છે. ઘરઆંગણે ભારતની આ સતત 17મી સીરિઝ જીત છે. ભારત વર્ષ 2012-13માં એલિસ્ટર કૂકની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે તેની છેલ્લી સીરિઝ હારી ગયું હતું. ભારત તે સીરિઝ 1-2થી હારી ગયું હતું. ત્યારથી ભારતે ઘરઆંગણે 50માંથી 39 ટેસ્ટ જીતી છે. બ્રેન્ડન મેક્કુલમ અને બેન સ્ટોક્સની જોડીએ ઈંગ્લેન્ડની કમાન સંભાળ્યા બાદ ઇંગ્લેન્ડ ટીમની આ પ્રથમ સીરિઝ હાર છે. આ સીરિઝમાં ઈંગ્લેન્ડની હાર બાદ ભારતીય ટીમના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને ઈંગ્લેન્ડની બેઝબોલ ક્રિકેટની મજાક ઉડાવી છે.
સેહવાગે ઉડાવી ઇંગ્લેન્ડની મજાક
ભારતે રાંચીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં 5 વિકેટે જીત્યા બાદ વિરેન્દ્ર સેહવાગે સોશિયલ મીડિયા પર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલની તસવીર શેર કરી અને લખ્યું, " કરી લો એન્ટરટેઈનમેન્ટ ઈંગ્લેન્ડ, જીતવા જેવું બોરિંગ કામ ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ કરી લેશે." જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ સામે જીત નોંધાવ્યા બાદ ભારતીય ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે, જ્યારે ઈંગ્લેન્ડ ટેબલમાં નવમા સ્થાને છે.
ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું
મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો રૂટની સદીના આધારે ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 353 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે ધ્રુવ જુરેલની 90 રનની ઇનિંગના આધારે પ્રથમ ઇનિંગમાં 307 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 145 રનમાં સમેટાઈ ગયું હતું. પ્રથમ ઇનિંગમાં મળેલી લીડના આધારે ઈંગ્લેન્ડે ભારતને મેચ જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે ભારતીય ટીમે 5 વિકેટે હાંસલ કરી લીધો હતો.