સરફરાઝ ખાન બાદ નાનો ભાઈ પણ છવાયો, રણજીમાં ફટકારી બેવડી સદી, અંડર-19 વર્લ્ડકપમાં મચાવી હતી ધૂમ
બરોડા સામે પૃથ્વી શો 33 અને અજિંક્ય રહાણે માત્ર 3 રન બનાવીને આઉટ થયા હતા
Image:Social Media |
Musheer Khan Double century In Ranji Trophy 2024 : સરફરાઝ ખાનના નાના ભાઈ મુશીર ખાને રણજી ટ્રોફી 2024ની ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર દેખાવ કર્યો હતો. મુશીરે મુંબઈ માટે બરોડા સામે 203 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દમદાર ઇનિંગમાં મુશીરે 357 બોલનો સામનો કર્યો જેમાં તેણે કુલ 18 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. મુશીરની આ બેવડી સદીની મદદથી મુંબઈની ટીમ પ્રથમ ઈનિંગમાં 384 રનનો સ્કોર બનાવી શકી હતી.
ચોથી ફર્સ્ટ ક્લાસ મેચમાં મુશીરે ફટકારી બેવડી સદી
મુશીરે તેના કરિયરની ચોથી ફર્સ્ટ ક્લાસ મેચમાં બેવડી સદી ફટકારીને કમાલ કરી હતી. આ પહેલા તેને મુંબઈ માટે ત્રણ મેચ રમવાની તક મળી હતી જેમાં તેણે માત્ર 96 રન બનાવ્યા હતા. જો કે હવે તેના મોટા ભાઈ સરફરાઝ ખાનના પગલે ચાલીને તે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. મુશીરે અંડર-19 વર્લ્ડકપમાં બે સદી ફટકારી હતી, જેના કારણે ભારતીય ટીમને ફાઇનલમાં પહોંચવામાં મદદ મળી હતી.
ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે સરફરાઝને ભારતીય ટીમમાં મળી જગ્યા
મુશીર ખાનના ભાઈ સરફરાઝને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના સતત ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં ટેસ્ટ ડેબ્યુ કરવાની તક મળી. સરફરાઝે પોતાની ડેબ્યૂ મેચમાં જ ઝડપી ફિફ્ટી ફટકારીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી હતી. સરફરાઝે પોતાની ડેબ્યુ મેચની બંને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
પૃથ્વી શો અને અજિંક્ય રહાણે ખરાબ રીતે ફ્લોપ થયા
મુંબઈ અને બરોડા વચ્ચે રમાયેલી રણજી ટ્રોફીની આ ક્વાર્ટર ફાઈનલ મેચમાં મુંબઈની ટીમના મોટા ખેલાડીઓ બેટિંગમાં ખરાબ રીતે ફ્લોપ થયા હતા. પૃથ્વી શો 33 અને અજિંક્ય રહાણે માત્ર 3 રન બનાવીને આઉટ થયા હતા. મુશીર સિવાય હાર્દિક તામોરે એકમાત્ર એવો બેટર હતો જેણે 57 રનની ઇનિંગ રમી હતી.