ડોન બ્રેડમેને કહેલી વાત યાદ કરી ગાવસ્કર સરફરાઝ ખાન પર થયા ગુસ્સે, જુઓ શું બોલ્યાં...
સરફરાઝ ખાને દેવદત્ત પડિક્કલ સાથે મળીને 97 રનની ભાગીદારી કરી હતી
Image:File Photo |
Sunil Gavaskar On Sarfaraz khan’s Bad Shot Selection : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર સુનીલ ગાવસ્કર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટના બીજા દિવસે સરફરાઝ ખાનના શોટ સિલેક્શનથી ખુશ દેખાતા ન હતા. સરફરાઝ ખાન ઈંગ્લેન્ડ સામે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ ટી બ્રેક પછી તેણે બેદરકારી ભર્યો શોટ રમ્યો અને પોતાની વિકેટ ગુમાવી દીધી. ટી બ્રેક સરફરાઝ ખાન પ્રથમ બોલ પર કટ શોટ રમવા ગયો જેના કારણે તે સ્લિપમાં કેચ આઉટ થયો હતો. સરફરાઝ સારી રીતે સેટ હતો, તે 56 રન પર બેટિંગ કરી રહ્યો હતો અને તેણે દેવદત્ત પડિક્કલ સાથે 97 રનની ભાગીદારી પણ કરી હતી. જો કે તેણે પોતાની ઇનિંગને સદીમાં બદલવાની તક ગુમાવી દીધી હતી.
ગાવસ્કર સરફરાઝના શોટ સિલેકશન પર થયા ગુસ્સે
સરફરાઝ ખાનના આ રીતે વિકેટ ગુમાવવાથી ગુસ્સે થયેલા સુનીલ ગાવસ્કરે કોમેન્ટ્રી દરમિયાન કહ્યું હતું કે, ‘બોલ ઉપર ઉછળ્યો હતો, તે એવો બોલ નહોતો કે તમે આ પ્રકારનો શોટ રમી શકો. તેણે તેની કિંમત ચૂકવી. મારો મતલબ છે કે તમે ટી બ્રેક પછી પ્રથમ બોલ રમી રહ્યા હોવ તો તમારી જાતને થોડો સમય આપો. બ્રેડમેને મને કહ્યું હતું કે હું દરેક બોલનો સામનો કરતી વખતે વિચારું છું કે હું શૂન્ય પર છું. ભલે ને પછી હું 200 પર રમતો હોઉં. જો કે અહીં સરફરાઝે સેશનના પ્રથમ બોલ પર આવો શોટ રમ્યો હતો.’
ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સામે સરફરાઝની વિસ્ફોટક બેટિંગ
સરફરાઝ ખાન ત્યારે બેટિંગ કરવા આવ્યો જયારે જેમ્સ એન્ડરસને શુભમન ગિલના રૂપમાં પોતાની 699મી ટેસ્ટ લીધી હતી. રોહિત અને ગિલના આઉટ થયા બાદ ભારતીય ઇનિંગને સંભાળવાની સંપૂર્ણ જવાબદારી સરફરાઝ અને પડિક્કલ પર આવી ગઈ હતી. 279ના સ્કોર પર ત્રીજી વિકેટ પડી તે પછી સરફરાઝ અને પડિક્કલે પોતાનો સમય લીધો અને સેટ થયા બાદ સરફરાઝે આક્રમક સ્ટ્રોક રમવાનું શરૂ કર્યું. તેણે ઈંગ્લેન્ડના સૌથી ફાસ્ટ બોલર માર્ક વુડ સામે બે ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો, પરંતુ આ ભાગીદારી ખતરનાક બનવા લાગી તો સરફરાઝે તેની વિકેટ ગુમાવી દીધી હતી.