સરફરાઝના પિતાના જે જેકેટ મુદ્દે વિવાદ થયો હતો તેના વિશે ખુલાસો થયો
સરફરાઝ ખાને ટેસ્ટ ડેબ્યુની બંને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી હતી
Image:Social Media |
Sarfaraz Khan’s Father Speaks About His Jacket : સરફરાઝ ખાને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. તે ભારત તરફથી ટેસ્ટ રમનાર 311 નંબરનો ખેલાડી બન્યો હતો. આ સિદ્ધિ હાંસલ કર્યા બાદ સરફરાઝની સાથે તેના પિતા પણ ફેમસ થઈ ગયા હતા. સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાન પોતાના પુત્રને ટેસ્ટ ડેબ્યુ કરતા જોઈને ભાવુક થઈ ગયા હતા. પરંતુ જે ચર્ચાનું વિષય બન્યું એ સરફરાઝના પિતાએ પહેરેલું જેકેટ હતું. જેકેટને લઈને ટેસ્ટના પ્રથમ દિવસે હોબાળો થયો હતો. જેકેટની પાછળ લખેલું વાક્ય વાંચીને લોકો વિચારી રહ્યા હતા કે નૌશાદ ખાને BCCI પર નિશાન સાધ્યું છે. જો કે હવે તે જેકેટની આખી સ્ટોરી સામે આવી છે.
સરફરાઝ ખાનના પિતાએ કર્યો ખુલાસો
સરફરાઝના પિતાએ જે જેકેટ પહેર્યું હતું તેની પાછળ જે લખ્યું હતું તેનો અર્થ હતો કે ક્રિકેટ એ જેન્ટલમેનની રમત નથી પરંતુ દરેકની રમત છે. તે સમયે આને લઈને ઘણો હોબાળો થયો હતો પરંતુ હવે સરફરાઝના પિતાએ પોતે જ આ જેકેટ પાછળની કહાની જણાવી છે. નૌશાદ ખાને એક ઈન્ટરવ્યુમાં જે કહ્યું, “મેં તે જેકેટ ખાસ સરફરાઝ ખાનના ટેસ્ટ ડેબ્યુ માટે ખરીદ્યું ન હતું. આ પહેલા પણ જ્યારે હું મારા નાના પુત્ર મુશીર ખાનની અંડર-19 વર્લ્ડકપ મેચ જોવા જઈ રહ્યો હતો ત્યારે મેં તેને ખરીદ્યું હતું. સરફરાઝનો એક કંપની સાથે કરાર છે તેથી થોડી ખરીદી થાય છે. જ્યારે હું મારા નાના પુત્ર મુશીરની મેચ જોવા જવાનું શરૂ કર્યું ત્યારે તેણે મને કેટલાક કપડા ખરીદવાની સલાહ આપી અને મેં તે જેકેટ ખરીદ્યું હતું.”
“જેકેટ પર જે લખ્યું હતું તે સાચું પણ છે”
સરફરાઝ ખાનના પિતાના કહેવા મુજબ, તે જેકેટ પર જે લખ્યું હતું તે સાચું પણ છે. ક્રિકેટ હવે દરેકની રમત છે. IPL એ માત્ર ઘર જ નહીં પરંતુ દરેક ઘરના રસોડા સુધી પહોંચ્યું છે. મહિલાઓ 8 વાગ્યા પહેલા ભોજન બનાવી લે છે જેથી કરીને તેઓ IPL મેચ જોઈ શકે. નૌશાદ ખાનના જેકેટ પાછળ BCCIને લઈને નિશાન સાધવા જેવું કંઈ ન હતું.