IPL 2024 પહેલા સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને BCCIએ આપી મોટી ભેટ, જાણો શું
નવી મુંબઇ,તા. 19 માર્ચ 2024, મંગળવાર
IPL 2024 શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. IPLની 17મી સિઝનની પ્રથમ મેચ 22 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. સરફરાઝ ખાન અને વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને મોટી ભેટ આપવામાં આવી છે. BCCIએ આ બે યુવા ખેલાડીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ લિસ્ટમાં સામેલ કર્યા છે.
BCCI એપેક્સ કાઉન્સિલની બેઠક સોમવારે યોજાઈ હતી, આ બેઠકમા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને ગ્રેડ-સીમાં સ્થાન આપવામાં આવ્યું છે. બોર્ડના 4 ગ્રેડમાં આ ગ્રેડ સૌથી નીચો છે.
જાણીતું છે કે સરફરાઝ ખાન IPL 2024 નહીં રમે, કારણ કે, 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર પણ કોઈ ફ્રેન્ચાઈઝીએ તેને હરાજીમાં ખરીદ્યો નથી. તે જ સમયે, ધ્રુવ જુરેલ ફરી એકવાર રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જોવા મળશે.
દરેકને એક-એક કરોડ રૂપિયા મળશે
બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝની ચોથી મેચ બાદ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી જાહેર કરી હતી.
જેમા કહેવામાં આવ્યું હતું કે, જો સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ ધર્મશાલામાં સતત ત્રીજી ટેસ્ટ રમે છે તો તેમને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં આપોઆપ જગ્યા મળી જશે.
BCCIના રિટેનરશિપ નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી કોન્ટ્રાક્ટ વર્ષમાં 3 ટેસ્ટ અથવા 8 વન-ડે અથવા 10 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમે છે તો તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળે છે. ધ્રુવ અને સરફરાઝે આ શરત પૂરી કરીને સી-ગ્રેડમાં સીધી એન્ટ્રી મેળવી હતી. પરંતુ આમાં આવતા ખેલાડીઓને પણ વર્ષે 1 કરોડ રૂપિયા મળે છે. હવે બીસીસીઆઈએ બંને ખેલાડીઓને સી ગ્રેડમાં સ્થાન આપ્યું છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ બંનેને 1 કરોડ રૂપિયા સેલેરી મળશે.
બંનેએ ડેબ્યૂ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું
સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ બંનેએ રાજકોટમાં ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. આ બંનેએ ડેબ્યૂ ટેસ્ટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી સૌના દિલ જીતી લીધા હતા. સરફરાઝ ખાને ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે ધ્રુવ જુરેલે ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 46 રન બનાવ્યા હતા અને વિકેટ પાછળની જવાબદારી સારી રીતે નિભાવી હતી.