આખરે પુત્રને મળી ગયો મોકો, ટીમ ઈન્ડિયાની કેપ જોઈને રડી પડ્યા સરફરાઝના પિતા

ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટ માટે સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને પ્લેઈંગ-11માં સામેલ કર્યા છે

સરફરાઝ ખાને ભારત-A તરફથી રમતા ઇંગ્લેન્ડ લાયન્સ સામે સદી ફટકારી હતી

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
આખરે પુત્રને મળી ગયો મોકો, ટીમ ઈન્ડિયાની કેપ જોઈને રડી પડ્યા સરફરાઝના પિતા 1 - image
image:Social Media

Sarfaraz Khan’s Father Got Emotional : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં ચાર મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય ટીમના પ્લેઇંગ-11માં સરફરાઝ ખાનને સામેલ કરવામાં આવ્યો છે. સરફરાઝ આજે ભારત તરફથી ટેસ્ટ ડેબ્યુ કરશે. તેને ટોસ પહેલા ભારતીય ટીમની કેપ આપવામાં આવી હતી. સરફરાઝ કેપ સાથે સ્ટેડિયમમાં હાજર તેના પિતા પાસે પહોંચ્યો હતો. ભારતીય ટીમની કેપ જોઈને સરફરાઝના પિતા પોતાના આંસુ રોકી શક્યા ન હતા. BCCIએ આ ખાસ ક્ષણની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

અનિલ કુંબલેએ ડેબ્યુ કેપ આપી

ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટ માટે સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને પ્લેઈંગ-11માં સામેલ કર્યા છે. આ બંને ખેલાડી ડેબ્યુ ટેસ્ટ મેચ રમશે. સરફરાઝના કરિયરની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ બંને ખેલાડીઓને મેચ પહેલા ભારતીય ટીમની કેપ આપવામાં આવી હતી. અનિલ કુંબલેએ મુંબઈના સ્ટાર બેટર સરફરાઝ ખાનને ડેબ્યુ કેપ આપી હતી. જયારે દિનેશ કાર્તિકે ધ્રુવ જુરેલને ટેસ્ટ કેપ આપી હતી સરફરાઝ ટેસ્ટ કેપ લઈને પિતા પાસે પહોંચ્યો હતો. આ જોઈને તેના પિતા ભાવુક થઈ ગયા અને પોતાના આંસુ રોકી શક્યા નહીં. તેમણે સરફરાઝને ગળે લગાવ્યો હતો.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી

સરફરાઝ ખાનનો રેકોર્ડ અત્યાર સુધી સારો રહ્યો છે. તેણે ફર્સ્ટ ક્લાસમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. તેણે ટેસ્ટ ફોર્મેટની 45 મેચમાં 3912 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 14 સદી અને 11 ફિફ્ટી ફટકારી છે. સરફરાઝનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 301 રન રહ્યો છે. તેણે 37 લિસ્ટ-A મેચમાં 629 રન બનાવ્યા છે. સરફરાઝે 96 T20 મેચ પણ રમી છે. જેમાં 1188 રન બનાવ્યા છે.

ઇંગ્લેન્ડ લાયન્સ સામે ફટકારી સદી

સરફરાઝ ખાન ભારત-A તરફથી પણ રમી ચૂક્યો છે. તેણે તાજેતરમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે સદી ફટકારી હતી. સરફરાઝે 24 જાન્યુઆરીએ અમદાવાદમાં રમાયેલી મેચમાં 161 રન બનાવ્યા હતા. આ પહેલા એક ઇનિંગમાં 55 રન બનાવ્યા હતા. તેણે 12 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ લાયન્સ સામે 96 રનની ઈનિંગ રમી હતી.

આખરે પુત્રને મળી ગયો મોકો, ટીમ ઈન્ડિયાની કેપ જોઈને રડી પડ્યા સરફરાઝના પિતા 2 - image


Google NewsGoogle News