તોફાની બેટરના ભાઈની પણ ધમાકેદાર બેટિંગ, સચિનનો 33 વર્ષ જૂનો રૅકોર્ડ થયો ધરાશાયી
Duleep Trophy 2024: 5 સપ્ટેમ્બરથી દુલીપ ટ્રોફીની શરુઆત થઈ ગઈ છે. જેમાં 4 ટીમે ભાગ લીધો છે. દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં ઇન્ડિયા-એ અને ઇન્ડિયા-બી વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં પ્રથમ દિવસે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, સરફરાઝ ખાન અને વોશિંગ્ટન સુંદર જેવા સ્ટાર્સના નબળા પ્રદર્શન બાદ 19-વર્ષના બેટર મુશીર ખાને રન બનાવવાનું કામ હાથમાં લીધું હતું. મુશીર ખાન સરફરાઝ ખાનનો નાનો ભાઈ છે. મુશીર ખાને પહેલા જ દિવસે શાનદાર સદી ફટકારીને સિદ્ધિ નોંધાવી હતી.
દુલીપ ટ્રોફીમાં રચ્યો ઇતિહાસ
પ્રથમ દિવસની રમતના અંતે મુશીર ખાને 227 બોલમાં 105 રન બનાવ્યા હતા અને તેની ટીમનો સ્કોર 7 વિકેટે 202 રન હતો. બીજા દિવસની શરુઆતમાં, મુશીરે ફરી એકવાર ચાર્જ સંભાળ્યો અને નવદીપ સૈની સાથે મળીને 8મી વિકેટ માટે 204 રનની શાનદાર ભાગીદારી કરી. આ દરમિયાન મુશીરે પણ પોતાનો સ્કોર 150થી આગળ વધાર્યો હતો. સરફરાઝનો નાનો ભાઈ ડેબ્યુ મેચમાં ડબલ સેન્ચુરી ફટકારવાની અણી પર હતો ત્યારે કુલદીપ યાદવે તેને આઉટ કર્યો હતો. આ રીતે મુશીરની આ ઐતિહાસિક ઇનિંગ્સનો અંત આવ્યો.
સચિનનો 33 વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
મુશીર ખાન દુલીપ ટ્રોફીની પોતાની પહેલી મેચમાં ભલે ડબલ સેન્ચુરી ફટકારી ન શક્યો, પરંતુ તેણે સચિન તેંડુલકરના 33 વર્ષ જૂના રૅકોર્ડને તેની 181 રનની ઇનિંગથી તોડ્યો હતો. મુશીરે 373 બોલનો સામનો કર્યો અને તેની ઇનિંગમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા અને તે દુલીપ ટ્રોફીની ડેબ્યુ મેચમાં ટીનેજર (20 વર્ષથી ઓછી ઉંમરના) માટે ત્રીજો સૌથી વધુ સ્કોરર બન્યો. આ પહેલા આ રૅકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો જેણે જાન્યુઆરી 1991માં દુલીપ ટ્રોફીની પોતાની ડેબ્યુ મેચમાં 159 રન બનાવ્યા હતા. હવે મુશીરના કારણે સચિન તેંડુલકર ચોથા સ્થાને ગયો છે.
દુલીપ ટ્રોફી ડેબ્યુ મેચમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ બાબા અપરાજિતના નામે છે. બાબાએ 212 રન બનાવ્યા હતા. આ પછી યશ ધુલ બીજા સ્થાને છે. તેણે પોતાની ડેબ્યુ મેચમાં 193 રનની ઇનિંગ રમી હતી. આ બે ખેલાડીઓ બાદ હવે સરફરાઝે આ લિસ્ટમાં ત્રીજું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.