ICC T20 રેન્કિંગ : બેટરની યાદીમાં સંજુની મોટી છલાંગ, બોલર્સમાં પાકિસ્તાની શાહીન ફરી નંબર-1
ICC Ranking : ICCએ વનડે અને T20 ખેલાડીઓની નવી રેન્કિંગ જાહેર કરી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સ્ટાર ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી ફરી એકવાર વનડેમાં પહેલા સ્થાને પહોંચી ગયો છે. તેણે દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ પાસેથી આ સ્થાન છીનવી લીધું છે. આફ્રિદી ત્રણ સ્થાને ઉપર ચઢીને ટોચ પર પહોંચી ગયો છે. જયારે મહારાજ ત્રીજા ક્રમે સરકી ગયા છે. શાહીને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 મેચમાં 12.62ની સરેરાશથી 8 વિકેટ ઝડપી હતી. આ પહેલા તેણે વનડે વર્લ્ડકપ 2023 દરમિયાન નંબર-1 રેન્કિંગ હાંસલ કર્યું હતું.
પાકિસ્તાની બોલરોનો દબદબો
શાહીન સાથે બીજો પાકિસ્તાની બોલર હરિસ રઉફ 13માં સ્થાને પહોંચી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટ ઝડપી હતી. અને તેને પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. ઝડપી બોલર નસીમ શાહે પણ પોતાની કારકિર્દીનું નવું સર્વશ્રેષ્ઠ રેટિંગ હાંસલ કર્યું છે. તે 14 સ્થાન ઉપર ચઢીને 55માં સ્થાને પહોંચી ગયો છે.
ખરાબ પ્રદર્શન છતાં બાબર આઝમ ટોચ પર
પાકિસ્તાની બેટર બાબર આઝમ વનડે બેટરોની યાદીમાં ટોચના સ્થાન પર છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 80 રન બનાવ્યા હતા. બાબર ત્રણ મેચમાં એક વખત આઉટ થયો હતો. જો કે હાલ બાબર પોતાની કારકિર્દીના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 2-1થી સીરિઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પાકિસ્તાને 22 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયામાં વનડે સીરીઝ પર કબજો કર્યો છે.
T20I રેન્કિંગમાં સંજુ સેમસને છલાંગ લગાવી
ભારતનો વિકેટકીપર અને બેટર સંજુ સેમસને T20I બેટિંગ રેન્કિંગમાં છલાંગ લગાવી 27 સ્થાન આગળ વધીને 39માં સ્થાને પહોંચી ગયો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચોની T20 સીરિઝ રમાઈ રહી છે. જેમાં બંને ટીમો હાલમાં 1-1થી બરાબરી પર છે. સેમસને પહેલી મેચમાં સદી ફટકારી હતી. પરંતુ તે બીજી મેચમાં શૂન્ય પર આઉટ તહી હયો હતો. દક્ષિણ આફ્રિકાના રીઝા હેન્ડ્રીક્સ બે સ્થાન આવી 12મા ક્રમે અને ટ્રીસ્ટન સ્ટબ્સ 12 સ્થાન ઉપર આવી 26મા ક્રમે પણ ફાયદો થયો છે. બીજી T20માં હેન્ડ્રિક્સે 24 રન અને સ્ટબ્સે અણનમ 47 રન બનાવ્યા હતા.
T20 બોલરોની રેન્કિંગમાં પણ ફેરફાર
આ સાથે T20 બોલરોની રેન્કિંગમાં પણ ફેરફાર થયો છે. શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરાંગાએ ચાર સ્થાનની છલાંગ લગાવીને બીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ ટોચના સ્થાન પર યથાવત છે. વેસ્ટ ઈન્ડિઝના અકીલ હોસીન ત્રીજા સ્થાન પર અને ભારતના રવિ બિશ્નોઈ સાતમાં સ્થાન સાથે ટોપ 10ની યાદીમાં સામેલ છે. ન્યૂઝીલેન્ડના મિશેલ સેન્ટનર ચાર સ્થાન ઉપર જઈને 13માં સ્થાને અને લોકી ફર્ગ્યુસન 10 સ્થાન સુધારીને 15માં સ્થાને, ઈંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચર 10 સ્થાન ઉપર 21માં સ્થાને અને શ્રીલંકાના ઝડપી બોલર મથેસા પાથિરાના 22 સ્થાન ઉપર જઈને 31મા ક્રમે પહોંચી ગયો છે.