'મારો દીકરો ત્યાં સુરક્ષિત નથી...: સંજુ સેમસનના પિતાનું ભાવુક નિવેદન, KCA પર ગંભીર આક્ષેપ
Sanju Samson’s Father Alleged On KCA: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સંજુ સેમસનની પસંદગી ન થવાથી નારાજ સેમસનના પિતાએ કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA) પર આકરા પ્રહારો કર્યા છે. પિતા વિશ્વનાથે એસોસિએશન પર પુત્રની ક્રિકેટ કારકિર્દીને ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ મૂક્યો છે. તાજેતરમાં રમાયેલી મોટાભાગની મેચમાં સેમસને આકર્ષક પર્ફોર્મન્સ આપ્યું હોવા છતાં તેની ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પસંદગી ન થતાં આ આરોપ લગાવવામાં આવ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સંજુ સેમસનની પસંદગી ન થવા પાછળનું એક કારણ તેની વિજય હજારે ટ્રોફીમાં ગેરહાજરી પણ છે. કેરળ કેમ્પમાં તેની ગેરહાજરીના કારણે KCAએ તેને વિજય હજારે ટ્રોફીથી દૂર રાખ્યો હતો. જેના લીધે તેનુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સિલેક્શન થઈ શક્યુ ન હતું. પરિણામે સંજુના નારાજ પિતાએ કેરળ એસોસિએશન પર આક્ષેપો કર્યા હતા.
સંજુ સેમસને પિતાએ જણાવ્યું કે, 'મને છ મહિના પહેલાથી જ જાણ હતી કે, KCA મારા પુત્ર વિરૂદ્ધ યોજનાઓ બનાવી રહ્યું છે. મારૂ બાળક ત્યાં સુરક્ષિત નથી. તેઓ દરેક બાબતમાં સંજુને દોષિત ઠેરવે છે. લોકો તેમની વાત પર વિશ્વાસ પણ કરશે. એટલે હું ઈચ્છુ છું કે, મારો પુત્ર કેરળ માટે રમવાનું બંધ કરી દે.'
KCAએ આપી હતી સ્પષ્ટતા
કેરળ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ સંજુ સેમસનની વિજય હજારે ટ્રોફીમાંથી એક્ઝિટ અંગે જણાવ્યું હતું કે, 'સંજુ કેરળ કેમ્પમાં ગેરહાજર રહેતાં તેને અવગણવામાં આવ્યો હતો.' પરંતુ સેમસમના પિતાએ દાવો કર્યો હતો કે, અન્ય કેટલાક ખેલાડીઓ પણ કેમ્પમાં જોડાયા ન હોવા છતાં તેમને ટ્રોફી રમવાની તક આપી હતી.
KCA પર મૂક્યો ગંભીર આરોપ
સંજુના પિતા વિશ્વનાથ સેમસને KCAએ પર ગંભીર આરોપ મૂક્યો હતો કે, 'KCAના લોકો મારા પુત્ર વિરૂદ્ધ ષડયંત્ર રમી રહ્યા છે. અમે અગાઉ એસોસિએશનની વિરૂદ્ધમાં ક્યારેય બોલ્યા નથી, પરંતુ આ વખતે તેમણે તમામ હદ વટાવી છે. સંજુ એકમાત્ર ખેલાડી ન હતો, જેણે કેમ્પમાં હાજરી નહોતી આપી. અન્ય ખેલાડીઓ પણ હતાં. પરંતુ તેમને ટ્રોફી રમવા દીધી હતી.'
KCAના પ્રેસિડન્ટનો બચાવ કર્યો
વિશ્વનાથ સેમસને KCAના પ્રેસિડન્ટ જયેશ જ્યોર્જ અને બોર્ડ સેક્રેટરી વિનોદ એસ કુમારનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'આ આરોપો KCA પ્રેસિડન્ટ કે બોર્ડ સેક્રેટરી પર નથી. પરંતુ અમુક નાના અધિકારીઓ કે, જેઓ રમતમાં આ પ્રકારનું ગંદુ રાજકારણ રમી રહ્યા છે, તેમના પર છે. આપણે સ્પોર્ટ્સમેન છીએ. સ્પોર્ટ્સનો બિઝનેસ ન કરવો જોઈએ. મારા પુત્રને ન્યાયપણે રમવાની તક આપવી જોઈએ. જો કોઈ ભૂલ થઈ હોય તો આપણે તેની ચર્ચા કરી તેનો ઉકેલ લાવવો જોઈએ.'
સંજુ હજુ કેરળ તરફથી રમી શકે છે
KCAના પ્રેસિડન્ટ જ્યોર્જે આ અંગે સ્પષ્ટતા આપી છે કે, ‘જો સંજુ ઈચ્છે તો તે કેરળ ટીમમાં ફરી જોડાઈ શકે છે. કેરળ કેમ્પમાં સામેલ થવાથી તેની ટ્રોફી માટે પસંદગી થઈ ન હતી. સંજુ હાલ કોલકાતામાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમી રહ્યો છે. આ મામલે વધુ કંઈ કહેવા માગતા નથી. પરંતુ જો તે કેમ્પમાં જોડાશે નહીં, તો તેને ટીમમાંથી બાકાત કરવામાં આવશે.’