કોઈ વિલન બનવા નથી માંગતું...: રોહિત અને વિરાટ પર ભડક્યા માંજરેકર, સ્ટાર કલ્ચર પર ઉઠાવ્યા સવાલ
Sanjay Manjrekar on Rohit & Virat : ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતીય ટીમ 1-3થી ખરાબ રીતે હારી ગઈ હતી. ત્યારથી જ કૅપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ખેલાડી વિરાટ કોહલી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચમાં ફક્ત 31 રન જ બનાવી શક્યો હતો અને જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 10 રન રહ્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ પાંચ ટેસ્ટ મેચમાં ફક્ત 190 રન બનાવ્યા હતા. જેમાં તેણે પર્થ ટેસ્ટ મેચમાં 100 રન બનાવ્યા હતા અને આ સિવાય તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. આ દરમિયાન હવે પૂર્વ ભારતીય ખેલાડી સંજય માંજરેકરે ભારતીય ટીમના ખેલાડીઓની પૂજા કરવાની સંસ્કૃતિ અને સ્ટાર કલ્ચરને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ભારતીય કિકેટ ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલીની ગણના વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરોમાં થાય છે અને ભારતીય ક્રિકેટ ચાહકો તેના જેવા મહાન ખેલાડીને ભગવાન માને છે. કોહલી સિવાય રોહિત શર્માની ફેન ફોલોઇંગ પણ ઓછી નથી. જો કે આ બંને ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શનને કારણે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતવામાં નિષ્ફળ રહી હતી.
શું કહ્યું સંજય માંજરેકરે?
આ અંગે પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, 'આ ખેલાડીઓ પાછળનું સૌથી મોટું કારણ ભારતમાં કેટલાક ખેલાડીઓની હીરોની જેમ કરવામાં આવતી પૂજા અને સ્ટાર કલ્ચર છે. 2011-12નું વર્ષ હોય કે અત્યારે આ જ દૃશ્ય જોવા મળે છે. મોટા ખેલાડીઓની વાત આવે ત્યારે આપણે એક દેશ તરીકે તર્કસંગત રહી શકતા નથી અને ક્રિકેટ માટેનો આપણો તર્ક બારીની બહાર જતો રહે છે. પસંદગીકારો ફક્ત એવી આશા રાખે છે કે ખેલાડી પોતાની રીતે નિર્ણય લે. કારણ કે કોઈ પણ પસંદગીકાર વિલન બનવા માંગતો નથી. જો કોઈ ખેલાડીના લાખો ફોલોઅર્સ હોય અને તેની પૂજા કરવામાં આવે તો તે બધા નિર્ણયો લેતાં ડરે છે.'
ખેલાડીઓની પસંદગી નામના આધારે નહીં પણ કામના આધારે થવી જોઈએ
ઓસ્ટ્રેલિયન ટીમનું ઉદાહરણ આપતાં સંજય માંજરેકરે આગળ કહ્યું હતું કે, 'ઓસ્ટ્રેલિયાએ નાથન મેકસ્વીનને હટાવીને સેમ કોન્સ્ટાસને ટીમમાં સામેલ કર્યો હતો. આ પછી મિશેલ માર્શને આઉટ કરવામાં આવ્યો અને બ્યૂ વેબસ્ટરને તક આપવામાં આવી. આ બંને નિર્ણયોથી ટીમને ઘણો ફાયદો થયો. હવે મને કહો કે શું રોહિત શર્મામાં પોતાની નિષ્ફળતાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવાની ક્ષમતા છે? હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે પસંદગીકારો ખેલાડીઓની પસંદગી તેમના નામના આધારે નહીં, પરંતુ તેમના કામના આધારે કરે.'