જાડેજા ઠીક છે પણ સુંદર અને રેડ્ડીને ટીમમાં ના લેવાય: સંજય માંજરેકરે ટીમ ઈન્ડિયા પર ઉઠાવ્યા સવાલ
Sanjay Manjrekar on Nitish Kumar Reddy: ઓસ્ટ્રેલિયાએ 5 જાન્યુઆરીએ સિડનીમાં રમાયેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ભારતને છ વિકેટે હરાવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 જીતી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવામાં સફળતા મેળવી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારતની 3-1થી હાર બાદ હવે પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય માંજરેકરે ટીમ સિલેક્શનની વ્યૂહરચનાની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે, ભારતે સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓની અવગણના કરીને ઓલરાઉન્ડરોને પ્રાધાન્ય આપ્યું, જેના કારણે ટીમનું સંતુલન ખોરવાઈ ગયું.
માંજેરકરે ટીમ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ
સંજય માંજરેકરે સ્પષ્ટપણે કહ્યું કે નિષ્ણાત ખેલાડીઓથી દૂર જવાને કારણે ભારતને મોટું નુકસાન થયું છે. ભારત ધીમે ધીમે સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓથી દૂર જઈ રહ્યું હતું. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ અભિગમ લાંબા સમય સુધી ક્યારેય સફળ નથી રહ્યો. ટીમમાં જાડેજાને સ્થાન મળવું એ સમજાય છે, પરંતુ વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડી જેવા ખેલાડીઓને પ્રાધાન્ય આપવું એ યોગ્ય નહોતું.
સંજય માંજરેકરે સલાહ આપી કે ભારતે તેના જૂના અને અજમાવેલા ફોર્મ્યુલા પર પાછા ફરવું જોઈએ. તેમણે હવે અટકીને પોતાની વ્યૂહરચના પર વિચાર કરવો જોઈએ. ટીમે સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન અને બોલરોને પ્રાથમિકતા આપવી જોઈએ.
કેપ્ટન રોહિત શર્માની ભૂમિકા પર પણ સવાલ
સંજય માંજરેકરે કેપ્ટન રોહિત શર્માની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે, રોહિતને ટીમ સિલેક્શનમાં વધુ દખલ આપવાની જરૂર હતી, ભલે કોચ ગૌતમ ગંભીરની વિચારસરણી અલગ હોય. રાહુલ દ્રવિડ સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓને તક આપવાના પક્ષમાં હતો. રોહિતે જીતવાની સમાન માનસિકતા જાળવી રાખવી જોઈતી હતી. કેપ્ટને ટીમની પસંદગીમાં વધુ મજબૂત ભૂમિકા ભજવવાની જરૂર હતી.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ઓલરાઉન્ડરોનું પ્રદર્શન
નીતિશ કુમાર રેડ્ડી: 5 મેચ, 298 રન (એવરેજ 37.25), 5 વિકેટ (એવરેજ 38)
રવિન્દ્ર જાડેજા: 3 મેચ, 135 રન (એવરેજ 27), 4 વિકેટ (એવરેજ 54.50),
વોશિંગ્ટન સુંદર: 3 મેચ, 114 રન (એવરેજ 22.80), 3 વિકેટ (એવરેજ 38.66)