દિગ્ગજ ક્રિકેટરે જસપ્રીત બુમરાહને ક્રિકેટનો દિલીપ કુમાર ગણાવ્યો, રસપ્રદ કિસ્સો પણ સંભળાવ્યો
Sanjay Manjrekar : ભારતીય ટીમના સ્ટાર બેટર જસપ્રીત બુમરાહને તાજેતરમાં 'ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર 2024'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વર્ષ 2024માં બુમરાહે કુલ 13 ટેસ્ટ મેચમાં 71 વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શનને કારણે તેને આ એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. આ દરમિયાન બુમરાહને લઈને ભારતના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે મોટું નિવેદન આપ્યું છે. તેણે બુમરાહની તુલના બોલિવૂડના મશહૂર અભિનેતા દિલીપ કુમાર સાથે કરી હતી.
શું કહ્યું સંજય માંજરેકરે?
હકીકતમાં એક ઈન્ટરવ્યૂ આપતા સંજય માંજરેકરે જૂની યાદોને વાગોળતા કહ્યું હતું કે, 'એક સાંજે હું આમિર ખાનને મળવા તેના ઘરે ગયો હતો. ત્યારે અમે વાતચીત દરમિયાન દિલીપ કુમારની વાત કરી રહ્યા હતા. ત્યારે મેં તેને પૂછ્યું કે અમે બહારથી નથી સમજી શકતા કે દિલીપ કુમારની મહાનતા શું છે? અને તેમનામાં શું ખાસ હતું? આ બાબતે આમિરે થોડીકવાર વિચાર્યું અને પછી કહ્યું કે, તેમનામાં કોઈ નબળાઈ ન હતી. જે રીતે તમારી ક્રિકેટનું દુનિયામાં બુમરાહમાં નથી.'
આવું કરનારો બુમરાહ પાંચમો ભારતીય ખેલાડી
જસપ્રીત બુમરાહે ટ્રેવિસ હેડ, જો રૂટ, અને હેરી બ્રૂકને પાછળ છોડીને આ એવોર્ડ પોતાના નામે કર્યો હતો. બુમરાહ પાંચમો ભારતીય ખેલાડી છે કે જેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેના પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને આર. અશ્વિનને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ઇંગ્લેન્ડ સામે ઘરેલું ટેસ્ટ સીરિઝ અને T20I વર્લ્ડકપમાં ભારતને મળેલી જીતમાં બુમરાહે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ભારતીય સિનેમાના શાનદાર અભિનેતા દિલીપ કુમાર
જો દિલીપ કુમારની વાત કરીએ તો તેમણે પોતાની એક્ટિંગથી અનેક લોકોના દિલ જીતી લીધા હતા. તેમણે અંદાજ, આન, દાગ, ઈન્સાનિયત, આઝાદ, નયા દોર, પેગામ, ગંગા જમુના, રામ અને શ્યામ જેવી અદ્ભુત ફિલ્મોમાં કર્યું હતું. ભારતીય સિનેમાનો સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ તેમને એનાયત કરવામાં આવ્યો હતો.