સાનિયાએ શોએબ સાથે તલાક કર્યા કન્ફર્મ, એક્સ હસબન્ડને જાણો શું આપ્યો સંદેશ
- સાનિયા અને શોએબના થોડા મહિના પહેલા જ તલાક થઈ ગયા હતા
નવી દિલ્હી, તા. 21 જાન્યુઆરી 2024, રવિવાર
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ત્રીજા લગ્ન કરી લીધા છે. શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે નિકાહ કર્યા છે. શોએબ મલિકે નિકાહની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે શોએબના ત્રીજા લગ્ન પર મિર્ઝા ફેમિલી અને ટીમ સાનિયાનું નિવેદન સામે આવ્યુ છે. તેમના નિવેદન પ્રમાણે સાનિયા અને શોએબના થોડા મહિના પહેલા જ તલાક થઈ ગયા હતા.
ચાહકોને કરી આ અપીલ
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સાનિયાએ હંમેશા તેના અંગત જીવનને લોકોની નજરથી દૂર રાખ્યું છે. જો કે, આજે તેને એ જણાવવાની જરૂર પડી છે કે શોએબ અને તેના તલાક થઈ ગયા તેના થોડા મહિના થઈ ચૂક્યા છે. તે શોએબને તેની નવી સફર માટે શુભેચ્છા પાઠવે છે. તેમના જીવનના આ સંવેદનશીલ સમયગાળામાં અમે તમામ ચાહકો અને શુભેચ્છકોને વિનંતી કરવા માંગીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અટકળોથી દૂર રહે અને તેમની પ્રાઈવેસીનું સન્માન કરે.
ઈઝહાન પોતાની માતા સાથે રહે છે
શોએબ મલિક અને સાનિયાના લગ્ન 12 એપ્રિલ 2010ના રોજ પરંપરાગત વિધિથી થયા હતા. આ લગ્ન હૈદરાબાદમાં થયા હતા. લગ્નના 8 વર્ષ બાદ 2018માં તેમના પુત્ર ઈઝહાન મિર્ઝા મલિકનો જન્મ થયો. ઈઝહાન પાંચ વર્ષનો છે અને તેની માતા સાથે રહે છે.
શોએબ મલિકના ત્રીજા લગ્ન પર સાનિયા મિર્ઝાના પિતાની પ્રતિક્રિયા સામે આવી હતી. સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ જણાવ્યું હતું કે તે 'ખુલા' હતા. તલાક અને ખુલા વચ્ચે બહુ ફરક નથી. જ્યારે કોઈ સ્ત્રી અલગ થવાનો નિર્ણય લે છે ત્યારે તેને ખુલા કહેવામાં આવે અને જ્યારે પુરુષ તરફથી આ જ નિર્ણય લેવામાં આવે તેને તલાક કહેવાય છે.